વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ, આરટીઓ અને વડોદરા મહાનગરપાલિકા (VMC)ના એન્જિનિયરિંગ વિભાગે ગુરુવારે સંયુક્ત સ્થળ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બ્રિજ પર અકસ્માતોના કારણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને રોડ એન્જિનિયરિંગમાં જરૂરી સુધારા કરી અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વિવિધ સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, અધિક પોલીસ કમિશનર ડૉ. સુધીર દેસાઈ તથા નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક-પશ્ચિમ) ઋષિકેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ વિવિધ વિભાગો સાથે સંયુક્ત સ્થળ મુલાકાત કરવામાં આવી હતી, જેના અનુસંધાને ફરી એકવાર ટ્રાફિક પોલીસ, આરટીઓના અધિકારીઓ અને VMCની એન્જિનિયરિંગ ટીમે ફતેગંજ બ્રિજની મુલાકાત લીધી હતી.
સંયુક્ત નિરીક્ષણ દરમિયાન બ્રિજ પર અકસ્માતો ઘટાડવા માટે જરૂરી ટ્રાફિક વ્યવસ્થા, માર્ગ સુરક્ષા અને રોડ એન્જિનિયરિંગ સંબંધિત સુધારાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા વહેલી તકે જરૂરી ફેરફારો અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ફતેગંજ બ્રિજ પર અકસ્માતોની ઘટનાઓમાં ઘટાડો કરી શકાય.
Reporter: admin







