ગયા વર્ષે ડિસેમ્બર માસમાં અમેરિકા જઈ રહેલા વિમાનને ફ્રાન્સમાં અટકાવી દેવામાં આવ્યું હતું તેવી જ વધુ એક બનાવ બન્યો છે. આ વિમાનને કેરેબિયન ટાપુ જમૈકા પર રોકવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ વિમાન લગભગ પાંચ દિવસથી રોકવામાં આવ્યું છે, જેમાં 250 જેટલા ભારતીય મુસાફરો હોવાનું અનુમાન છે. આ વિમાનમાં ગુજરાતી મુસાફરો હોવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. જે મુસાફરોની ફ્લાઈટ રોકવામાં આવી છે તેમનું અહીં આવવાનું કારણ અને તેઓ આગળ ક્યાં જઈ રહ્યા સહિતની તમામ વિગતો ચકાસવામાં આવશે, હવે આ મામલે ઈન્ડિયન હાઈ કમિશન પણ જમૈકાના વહીવટી તંત્ર સાથે સંપર્કમાં હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જમૈકામાં જે ફ્લાઈટને રોકવામાં આવી છે તેમાં સવાર મુસાફરોનો ઉદ્દેશ્ય શું હતો તે અંગે હવે આગામી સમયમાં તપાસ બાદ માહિતી સામે આવી શકે છે. જે ફ્લાઈટને રોકવામાં આવી છે તે દુબઈ અને ઈજિપ્તથી જમૈકામાં ટેક્નિકલ હોલ્ટ માટે રોકવામાં આવી જ્યાં મુસાફરો પર શંકા જતા ફ્લાઈટને આગળ જતી અટકાવીને તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ ફ્રાન્સમાં પણ આ પ્રકારની ફ્લાઈટ રોકવામાં આવી હતી, જે ફ્લાઈટ ડંકી રૂટથી અમેરિકા જવાની હતી. આ ફ્લાઈટમાં સવાર મુસાફરોને મુંબઈ મોકલાયા હતા અને જેમાં કેટલાક ગુજરાતી મુસાફરોનો પણ સમાવેશ થતો હતો જેમની તપાસ કરીને ગુજરાત પોલીસે એજન્ટો સામે કાર્યવાહી કરી હતી. આમ છતાં ફરી એકવાર એક ફ્લાઈટને જમૈકા રોકવામાં આવી છે ત્યારે આની પાછળ કોનો હાથ છે અને આ ફ્લાઈટ પર નીકારાગુવા જઈ રહી હતી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.
Reporter: News Plus