News Portal...

Breaking News :

પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ,જેમાંના 123ગુજરાતના કેદી

2025-03-17 20:33:30
પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ,જેમાંના 123ગુજરાતના કેદી




રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નમાં વિદેશ રાજ્યમંત્રીનો જવાબ
 
વડોદરા : આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને 2023માં અને 13ને 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા. પાકિસ્તાનની જેલોમાં હાલ કેદમાં રખાયેલા ભારતના માછીમારો સંબંધે રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ કરેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના વિદેશમંત્રી કિર્તીવર્ધનસિંહે આ માહિતી આપી હતી.



વિદેશ રાજ્યમંત્રીના નિવેદન અનુસાર, ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ પોતપોતાની જેલોમાં કેદ એકબીજાના દેશના નાગરિકો અને માછીમારોની યાદી એકબીજાને સુપરત કરે છે. આ અંતર્ગત ગત 1 જાન્યુઆરી, 2025ના રોજ અપાયેલી યાદીમાં પાકિસ્તાને તેની જેલમાં 217 ભારતીય માછીમારો કેદ હોવાનું સ્વીકાર્યું હતું. આ યાદી અપાઈ ત્યારથી એક ભારતીય માછીમારનું અવસાન થયું છે અને 22 અન્ય ભારતીય માછીમારને મુક્ત કરીને ભારતને સોંપી દેવાયા છે.



આ નિવેદનમાં ઉલ્લેખ કરાયો હતો કે, ભારતીય માછીમારોના કલ્યાણ, સુરક્ષા અને સલામતીને ભારત સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારની અટકાયતના જેવા સમાચાર મળે કે તુરત ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ હરકતમાં આવી જાય છે. પાકિસ્તાન સરકાર પાસેથી આ માછીમારો સાથે ભારતીય રાજદૂતની મુલાકાતની માગણી કરાય છે તેમજ તેમને વહેલીતકે મુક્ત કરીને સ્વદેશ પરત મોકલાય તેની પણ વ્યવસ્થા કરાય છે. કાનૂની સહાયતા સહિત ભારતીય માછીમારોને તમામ સંભવિત મદદ પહોંચાડાય છે.

Reporter: admin

Related Post