વડોદરાવાસીઓ..હવે તો જાગો..ઐતિહાસીક વારસો નષ્ટ થઇ રહ્યો છે...

પૂજારી હરિઓમ વ્યાસે માંડવીને બચાવવા માટે આચરેલા તપને 43 દિવસ થયા..
શહેરના ઐતિહાસીક વારસા સમાન માંડવી ગેટને બચાવવા માટે તંત્ર માત્ર હવાતીયા મારે છે. પૂજારી હરિઓમ વ્યાસે માંડવીને બચાવવા માટે આચરેલા તપને 43 દિવસ થઇ ગયા છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે માંડવીની હાલત વધુ ખરાબ થઇ રહી છે. જો અત્યારે જ પગલાં નહી લેવાય તો આ ઐતિહાસીક વારસો બચી શકશે નહીં. માત્ર લોખંડના ગર્ડરો નાખી દેવાથી માંડવી ગેટ બચશે નહી. તેનું યોગ્ય રીતે રિસ્ટોરેશન કરવું અત્યંત જરુરી છે. પૂજારી હરિઓમ વ્યાસે વારંવાર રજૂઆતો કરેલી છે પણ કોઇ નેતાઓ કે અધિકારીઓ તેમની વાત સાંભળવા પણ તૈયાર નથી. શહેરમાં ચાર દરવાજા, માંડવી ગેટ, ન્યાય મંદિર તથા કોઠી કચેરી સહિત ઐતિહાસીક 175 જેટલી બિલ્ડીંગો આવેલી છે. આ તમામ બિલ્ડીંગો હાલ ભયજનક હાલતમાં છે. વડોદરાના નેતાઓ, વડોદરાનું કોર્પોરેશન ગાયકવાડ સરકારે આપેલા ઐતિહાસીક વારસાને બચાવવામાં સદંતર નિષ્ફળ ગયું છે. 2017માં 5 કરોડના ખર્ચે ચાર દરવાજાનું રિનોવેશન કરાયું હતું પણ તે ખર્ચો પણ માથે પડ્યો છે અને ચાર દરવાજા વિસ્તારની હાલત વધુ ખરાબ થઇ રહી છે. માંડવી ગેટમાં તો રોજ પોપડા ખરે છે અને તેનો પિલ્લર પણ તાજેતરમાં તુટ્યો હતો.

ઐતિહાસીક ઇમારતોને બચાવવા મ્યુનિ.કમિશનર, મેયર, ચેરમેન , ધારાસભ્યો અને સાંસદ માત્રને માત્ર મોટી મોટી વાતો...
ઐતિહાસીક જૂની કોઠી કચેરીનો ભાગ ધરાશાયી થયો છે,. આ જૂની કોઠી કચેરીનો કેટલોક હિસ્સો તો વર્ષોથી જર્જરિત થયેલો છે. પણ સરકારી તંત્રને તેની જાળવણી કરવાની કંઇ જ પડી નથી. કલેક્ટર કચેરી જ્યારે અહીં કાર્યરત હતી ત્યારે પણ આ ઇમારત જર્જરિત હતી અને તેનો ઉપયોગ પણ થતો હતો. અત્યારે પણ કેટલીક કચેરીઓ અહીં કાર્યરત છે. શહેરની આ ઐતિહાસીક ઇમારતોને બચાવવા માટે કોર્પોરેશન, મ્યુનિ.કમિશનર, મેયર, ચેરમેન , ધારાસભ્યો અને સાંસદ માત્રને માત્ર મોટી મોટી વાતો કરે છે અને એસી હોલમાં બેસીને ચર્ચાઓ કરીને છુટા પડી જાય છે. એ સિવાય કોઇ નક્કર કામગિરી નેતાઓ અને અધિકારીઓ દ્વારા કરાતી નથી અને તેથી જ શહેરનો હેરિટેજ વારસો હવે લૂપ્ત થવાના આરે છે. વડોદરાવાસીઓએ હવે જાગી જવાની જરુર છે નહીંતર આ નેતાઓ અને અધિકારીઓ હેરિટેજ વારસાને નષ્ટ કરી દેશે.
Reporter: admin