News Portal...

Breaking News :

લસણની ધૂમ આવક થતા ભાવ પ્રતિ કિલો રૂ. ૧૦૦નીચે ઉતર્યું

2025-03-01 09:32:00
લસણની ધૂમ આવક થતા ભાવ પ્રતિ કિલો રૂ. ૧૦૦નીચે ઉતર્યું


ભાવનગર: રસોઈને સ્વાદિષ્ટ બનાવવામાં સિંહફાળો આપનાર લસણના નવા પાકની મલલખ આવકના પગલે છેલ્લા પખવાડીયાથી ભાવ ગગડવા લાગ્યા છે. 


ગોહિલવાડની બજારોમાં નવા લસણની ધૂમ આવક થતા તે સાવ સસ્તા થતા ગૃહિણીઓ દ્વારા લસણની ધૂમ ખરીદી શરૂ થઈ છે. ગત વર્ષે માવઠાના કારણે ઓછુ ઉત્પાદન થતા લસણના ભાવ પ્રતિ કિલો રૂ. ૪૦૦ ને આંબી જતાં ગૃહિણીઓમાં  દેકારો મચી ગયો હતો.દર વર્ષની જેમ આ વર્ષે પણ મહા શિવરાત્રિના પર્વ પૂર્ણ થતાં જ  અન્ય પરપ્રાંતોમાંથી ગોહિલવાડમાં નવા લસણની ધૂમ આવક શરૂ થઈ છે. જેના કારણે આસમાનને આંબી ગયેલા લસણના ભાવ ધીરે ધીરે તળીયે આવી ગયા છે. હાલ ગોહિલવાડમાં પ્રારંભિક તબકકામાં ગોંડલ અને રાજકોટની સાથોસાથ ઈન્દૌર અને રતલામ બાજૂથી  લસણ આવી રહ્યું છે. જે નવુ લસણ સહેજ ભેજવાળુ હોવાથી તેને ફોલવામાં તકલીફ વેઠવી પડે છે. જેમ જેમ તડકો પડશે ત્યારે હોળી બાદ સુકા લસણનો ભેજ વગરનો સારો માલ આવશે તેમ ખરીદીમાં વધુ તેજી આવશે તેમ લસણના જથ્થાબંધ વેપારીએ માહિતી આપતાં જણાવ્યું હતું. 


જયારે, અન્ય સૂત્રોના જણાવ્યાનુંસાર ઓછો પાક અને નિકાસની પ્રક્રિયા દરમિયાન કમોસમી વરસાદથી આંશિક બગાડ સહિતના કારણોને લઈને ગત દિવાળી આસપાસ લસણના ભાવ આસમાનને આંબી ગયા હતા. ગત ઓકટોબર અને નવેમ્બરમાં લસણ પ્રતિકિલો રૂ. ૪૦૦ આસપાસના ભાવે જયારે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લસણ પ્રતિ કિલો રૂ. ૨૦૦ ના કિલોના ભાવે વેચાયુ હતુ.ત્યારબાદ ચોતરફથી લસણની ધૂમ આવક થતા લસણ હાલ પ્રતિ કિલો રૂ. ૮૦ થી લઈને ૧૦૦ આસપાસના ભાવ વેચાઈ રહ્યુ છે. હાલ લસણના આ ભાવ તળિયે હોવાથી ભાવનગર શહેર અને જિલ્લાના ગૃહિણીઓ દ્વારા આખા વર્ષ માટેના લસણની ખરીદી કરાઈ રહી છે. ભાવનગરમાં હાલ દરરોજ ગોંડલ, રાજકોટ સાઈડથી એક ગાડી ભરી લસણનો જથ્થો વેચાણ માટે આવી રહ્યો છે.

Reporter: admin

Related Post