વડોદરાના દરજીપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનું હોક MK 132 વિમાનો સાથે વડોદરામાં આવતી કાલે હવાઈ એક્રોબેટ નિદર્શન યોજાશે.
આ ટીમમાં નવ હોક વિમાનો અને 14 પાયલોટ છે જે પ્રદર્શન બતાવશે. દરજીપુરા-પાંજરાપોળ ગ્રાઉન્ડ, APMC માર્કેટ અને આસપાસની સોસાયટીઓ સહિત હાલોલ ટોલ ટેકસ પાસેથી પણ લોકો આ શૉ જોઈ શકશે જ્યારે મુખ્ય અતિથિ માટે એરફોર્સ સ્ટેશનની અંદર વ્યવસ્થા કરાઈ છે. આવતીકાલે રિહર્સલ અને આગામી 22 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે આ એર શૉ શરુ થશે. 25-30 મિનિટનો આ શો રહેશે. 2025નો આ પહેલો શો છે.વર્ષ 1996માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરૂદ ધરાવે છે અને તે વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી એક ગણવામાં આવે છે. આ ટીમે અત્યાર સુધીમાં ભારતમાં તેમજ વિદેશમાં ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700 કરતાં વધુ પરફોર્મન્સ આપ્યા છે.
આ ટીમ તેમના સૂત્ર "સર્વદા સર્વોત્તમ" દ્વારા માર્ગદર્શિત છે જેનો અર્થ છે 'હંમેશા શ્રેષ્ઠ' જે ઉત્કૃષ્ટતાની ભાવનાને સાકાર કરે છે.સૂર્યકિરણ ટીમમાં 9 હૉક MK 132 વિમાનો સામેલ કરવામાં આવ્યા છે, જે ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ પ્રાપ્ત છે અને 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે. ગ્રુપ કેપ્ટન અજય દસરથી અને ડેપ્યુટી લીડર ગ્રુપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની ટીમમાં 14 પાયલોટ છે. આ પાઇલટ્સ જટિલ એરોબેટિક દાવપેચમાં નિપુણતા મેળવવા માટે સઘન તાલીમ મેળવે છે અને તેમનું કૌશલ્ય અને દોષરહિત સંકલન નજીકના ફોર્મેશન ફ્લાઇંગનો પાયો તૈયાર કરે છે. તેમની ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી કરી રહ્યાં છે.
Reporter: admin