News Portal...

Breaking News :

સુરતના ઉમરાગામમાં હાઈપ્રોફાઈલ મહિલા જુગારધામ પર પોલીસનો દરોડો, 7 મહિલાઓ રંગેહાથ ઝડપાઈ

2026-07-04 15:34:27
સુરતના ઉમરાગામમાં હાઈપ્રોફાઈલ મહિલા જુગારધામ પર પોલીસનો દરોડો, 7 મહિલાઓ રંગેહાથ ઝડપાઈ

સુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઉમરાગામ વિસ્તારમાં આવેલા રાધે રેસીડેન્સીમાં દરોડો પાડી મહિલાઓ માટે ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી જુગારધામ ચલાવતી સંચાલિકા સહિત કુલ 7 મહિલાઓને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલી મહિલાઓમાંથી 5 મહિલાઓ અગાઉ પણ જુગારના ગુનામાં ઝડપાઈ ચૂકી છે.

પોલીસને બાતમી મળી હતી કે ઉમરાગામ સ્થિત રાધે રેસીડેન્સીના મકાન નંબર-214ના પ્રથમ માળે મહિલાઓ ગંજીપાના પત્તા વડે રૂપિયા દાવ પર લગાવી જુગાર રમી રહી છે. માહિતીના આધારે પોલીસે પંચ સાક્ષીઓની હાજરીમાં બપોરે દરોડો પાડતાં હોલમાં મહિલાઓ જુગાર રમતી ઝડપાઈ હતી.


પૂછપરછ દરમિયાન મકાન માલિક મહિલાએ પોતાના જ ઘરમાં બહારથી ઓળખીતી અને સગા-સંબંધી મહિલાઓને બોલાવી જુગાર રમાડતી હોવાની અને તેના બદલામાં કમિશન વસૂલતી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મકાનના લાઈટ બિલ સહિત જરૂરી પુરાવાઓ કબજે લીધા છે.

દરોડા દરમિયાન પોલીસે જુગારના દાવ પરથી રૂ. 3,000 રોકડા તેમજ મહિલાઓની અંગઝડતી દરમિયાન રૂ. 85,250 રોકડા કબજે કર્યા હતા. ઉપરાંત આશરે રૂ. 34,000 કિંમતના 6 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, ગંજીપાના પત્તા સહિત કુલ રૂ. 1,22,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


ઉત્રાણ પોલીસે તમામ 7 મહિલાઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ અગાઉના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post