પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના પ્રવાસ દરમિયાન જોધપુરમાં નવા એરપોર્ટ ટર્મિનલ અને બાડમેર જિલ્લાના પચપદ્રા ખાતે નિર્માણ પામેલી ગ્રીનફિલ્ડ રિફાઇનરી તથા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું. આશરે ₹79,459 કરોડના ખર્ચે વિકસિત આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને રાજસ્થાનના ઔદ્યોગિક વિકાસ માટે ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે.
જોધપુર એરપોર્ટનું નવું ટર્મિનલ 'ઉડાન' યોજના હેઠળ અંદાજે ₹480 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. નવા ટર્મિનલથી સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય મુસાફરોને આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાઓ મળશે તેમજ મારવાડ પ્રદેશમાં પ્રવાસન અને હવાઈ કનેક્ટિવિટીને પણ વેગ મળશે.
જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વિશ્વના અનેક વિસ્તારોમાં યુદ્ધ અને વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં ભારતે ઊર્જા સુરક્ષા જાળવી રાખી છે અને દેશને ઊર્જા સંકટનો સામનો કરવો પડ્યો નથી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ઊર્જા ક્ષેત્રમાં લાંબા ગાળાના આયોજન અને આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો છે.
પચપદ્રા રિફાઇનરીથી પેટ્રોકેમિકલ ઉદ્યોગોને નવી દિશા મળશે. રિફાઇનરીમાંથી બનતા બાય-પ્રોડક્ટ્સના આધારે પ્લાસ્ટિક અને અન્ય સંબંધિત ઉદ્યોગો વિકસાવવામાં આવશે, જેના કારણે મોટા પાયે રોજગારીનું સર્જન થશે અને રાજસ્થાનમાં ઔદ્યોગિક રોકાણને પણ પ્રોત્સાહન મળશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતના ઔદ્યોગિક વિકાસ અને આર્થિક પ્રગતિ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
Reporter: admin







