નર્મદા: આગામી 31 ઓક્ટોબર 2026ના રોજ યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા માટે મોકડ્રિલ યોજાઈ હતી. આ દરમિયાન પરિસરમાં બે હથિયારધારી આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની પરિસ્થિતિનું નિર્માણ કરી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંકલિત મૉક ઓપરેશન હાથ ધરાયું હતું.
મોકડ્રિલ દરમિયાન નર્મદા જિલ્લા પોલીસ, CISF, SRPF, BDDS અને ફાયર વિભાગના જવાનોએ પરસ્પર સંકલન સાથે તબક્કાવાર કામગીરી હાથ ધરી હતી. આતંકવાદીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં ઘૂસ્યા હોવાની પ્રાથમિક માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ પરિસ્થિતિનું આકલન કરી કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ ફૂડ કોર્ટ વિસ્તારમાં ઘૂસેલા બંને આતંકવાદીઓને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. મૉક ઓપરેશન દરમિયાન તેમની પાસેથી AK-47 હથિયાર, મોબાઇલ ફોન તેમજ અન્ય સામગ્રી કબજે કરવામાં આવી હતી.

મોકડ્રિલ પહેલાં વિશ્વ વન ખાતે CISFના કમાન્ડન્ટ દ્વારા સુરક્ષા દળોને વિગતવાર બ્રિફિંગ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓના સંભવિત છુપાવાના સ્થળો, ઓપરેશનના રૂટ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવનારી તબક્કાવાર કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોક એક્સર્સાઇઝનો મુખ્ય હેતુ કટોકટીની સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલન, ઝડપી પ્રતિસાદ ક્ષમતા અને સંયુક્ત ઓપરેશનની તૈયારીનું વ્યવહારિક પરીક્ષણ કરવાનો હતો.

મોકડ્રિલ પૂર્ણ થયા બાદ સુરક્ષા એજન્સીઓના વડાઓની ઉપસ્થિતિમાં ડિ-બ્રિફિંગ યોજાયું હતું. સમગ્ર ઓપરેશનની સમીક્ષા કરી કામગીરી દરમિયાન સામે આવેલા મુદ્દાઓ, સંભવિત પડકારો અને જરૂરી સુધારાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાયેલી આ મોકડ્રિલ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા તેમજ આગામી રાષ્ટ્રીય એકતા પરેડ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે વિવિધ એજન્સીઓની સંકલિત તૈયારીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Reporter: admin







