વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે વેમાલી તળાવની બદહાલ સ્થિતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે. તળાવમાં ગંદકીનો અંબાર છે, જ્યારે પાણીની સમસ્યા પણ યથાવત છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં તળાવની સ્થિતિ વધુ ખરાબ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

સ્થાનિકોનું કહેવું છે કે તળાવની બાજુમાંથી લાખો ગેલન પાણી વહીને વેડફાઈ રહ્યું છે. ચોખ્ખું કેનાલનું પાણી પણ વિશ્વામિત્રી નદીમાં વહી જાય છે, જ્યારે વેમાલીના બોર સુકાઈ જતાં અનેક રહીશો પાણીના ટેન્કર પર નિર્ભર બન્યા છે. પીવાના પાણી માટે સ્થાનિકોને રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે.
‘સ્માર્ટ સિટી’માં પાણી માટે લોકોને પડતી મુશ્કેલી વચ્ચે કોર્પોરેશનની 80/20 યોજના સામે પણ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નવી સોસાયટીઓને પાણીની લાઈનના મુદ્દે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સામાજિક કાર્યકર કમલેશ પરમારે આંદોલનની ચીમકી આપી છે. તેમણે તળાવ પાસે PM મોદીના ફોટા સાથે વિરોધ કરવાની પણ ચીમકી આપી છે. તળાવના બ્યુટિફિકેશન પાછળ થયેલા ખર્ચ સામે સવાલો ઉઠાવી કથિત ગેરરીતિની તપાસ માટે કમિટી બનાવવાની માંગ કરવામાં આવી છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે ‘કરોડો ખર્ચ છતાં પરિણામ શૂન્ય’ છે. વેમાલીની જનતાનો સવાલ છે કે કેનાલનું પાણી તળાવમાં કેમ નહીં છોડવામાં આવે?


Reporter: admin







