‘TVK પણ ભાજપની ઝેરોક્સ કોપી છે’ : વિજયની પાર્ટી પર સ્ટાલિનનો તીખો પ્રહાર
તમિલનાડુની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે (DMK)ના નેતા સ્ટાલિને મુખ્યમંત્રી થલપતિ વિજય અને તેમની પાર્ટી TVK પર આકરા પ્રહારો કરતાં તેને ભાજપની "ઝેરોક્સ કોપી" ગણાવી છે. સ્ટાલિને આરોપ લગાવ્યો કે TVK રાજ્યમાં વિપક્ષને નબળો પાડવા માટે એ જ રીત અપનાવી રહી છે, જે રીત ભાજપ દેશના અન્ય રાજ્યોમાં અપનાવે છે.DMKની મહિલા વિંગને સંબોધિત કરતી વખતે સ્ટાલિને કહ્યું કે TVK સતત AIADMKના ધારાસભ્યો અને નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહી છે. તેમના જણાવ્યા મુજબ, વિજયને પોતાની પાર્ટીના કાર્યકરો પર વિશ્વાસ નથી, તેથી તેઓ અન્ય પક્ષોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખેંચી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે લોકોના મતદાનની શાહી હજુ સુકાઈ પણ નથી ત્યાં ધારાસભ્યો પક્ષ બદલી રહ્યા છે.સ્ટાલિનનો આ હુમલો એવા સમયે આવ્યો છે જ્યારે તમિલનાડુમાં મોટા પાયે પક્ષપલટો ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં હજારો કાર્યકરો અને અનેક દિગ્ગજ નેતાઓ TVKમાં જોડાયા હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમાં AIADMKના પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યો ઉપરાંત અન્ય પક્ષોના નેતાઓનો પણ સમાવેશ થાય છે.
સ્ટાલિને TVKના કેટલાક કાર્યકરો સામે ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. તેમણે શ્રીવૈકુંઠમમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે TVKના કેટલાક કાર્યકરો મહિલાઓ અને બાળકીઓ સામેના ગુનાઓમાં સંડોવાયેલા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જોકે, આ આરોપો અંગે TVK તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.અભિનેતામાંથી રાજકારણી બનેલા થલપતિ વિજયે તાજેતરની ચૂંટણીમાં ઐતિહાસિક સફળતા મેળવી સત્તા હાંસલ કરી હતી. ત્યારથી તેઓ રાજ્યના રાજકારણમાં એક મજબૂત શક્તિ તરીકે ઉભરી આવ્યા છે. કોંગ્રેસ સહિત અનેક પક્ષો સાથે સમન્વય સાધીને તેઓ DMKના વિકલ્પ તરીકે પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.રાજકીય વિશ્લેષકોના મતે, TVKમાં સતત વધી રહેલા નેતાઓના પ્રવેશથી વિજયની રાજકીય તાકાત મજબૂત બની રહી છે, પરંતુ સાથે જ તેઓ હવે સીધા DMK અને સ્ટાલિનના નિશાના પર પણ આવી ગયા છે. આગામી સમયમાં તમિલનાડુમાં DMK અને TVK વચ્ચેની રાજકીય ટક્કર વધુ તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Reporter: admin







