બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ જાહેરાત કરી છે કે તેઓ આગામી ડિસેમ્બર મહિનામાં ભારતમાંથી બાંગ્લાદેશ પરત ફરશે અને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરશે. તેમણે જણાવ્યું કે અવામી લીગના અનેક વરિષ્ઠ નેતાઓ પણ તેમની સાથે બાંગ્લાદેશ પરત ફરી કાનૂની પ્રક્રિયાનો સામનો કરશે. આ નિવેદન તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સને આપેલા ઇન્ટરવ્યૂમાં આપ્યું છે.
શેખ હસીનાએ આરોપ લગાવ્યો કે બાંગ્લાદેશમાં અવામી લીગના નેતાઓ અને કાર્યકરો સામે સતત કાર્યવાહી થઈ રહી છે. તેમના જણાવ્યા મુજબ, પાર્ટીના મોટાભાગના નેતાઓ અને કાર્યકરો સામે કેસ નોંધાયા છે અને ઘણા લોકોને છુપાઈને રહેવાની ફરજ પડી રહી છે. જોકે તેમણે પરત ફરવાની ચોક્કસ તારીખ જાહેર કરી નથી.
તેમણે સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશ પરત ફરવાના મુદ્દે તેમની સરકાર સાથે કોઈ પ્રકારની વાતચીત થઈ નથી. લોકશાહી, ચૂંટણી, અવામી લીગના રાજકીય અધિકારો અને ન્યાય જેવા મુદ્દાઓ પર પડદા પાછળ ચર્ચા થઈ શકે નહીં તેમ તેમણે જણાવ્યું. સાથે જ તેમણે દાવો કર્યો કે બાંગ્લાદેશ સરકાર તેમને પરત મોકલવા માટે ભારત સરકારને સતત પત્રો લખી રહી છે, પરંતુ "મને પાછી મોકલવાની જરૂર નહીં પડે, હું જાતે જ પરત ફરીશ."
શેખ હસીનાએ વધુમાં કહ્યું કે તેમને જેલ જવાનો કોઈ ડર નથી, કારણ કે તેઓ અગાઉ પણ અનેક વખત ધરપકડનો સામનો કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે લાંબા સમય સુધી સત્તામાં રહેલી કોઈપણ સરકારથી ભૂલો થઈ શકે, પરંતુ તેનો નિર્ણય અદાલત નહીં, જનતાએ કરવો જોઈએ. "જો અમારી સરકારથી ભૂલો થઈ હોય તો તેનો ચુકાદો જનતા આપશે," એમ તેમણે કહ્યું.
રોયટર્સના અહેવાલ મુજબ, સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટમાં વર્ષ 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી કાર્યવાહીમાં આશરે 1,400 લોકોના મોત થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જ મામલામાં શેખ હસીનાને તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હોવાનું જણાવાયું છે. જોકે હસીનાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોર્ટમાં સુનાવણી શરૂ થયા બાદ સમગ્ર સત્ય બહાર આવશે.
Reporter: admin







