આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન, સમાજસેવાના કાર્યને મળ્યો પ્રતિસાદ
વડોદરા: 'વસુધૈવ કુટુંબકમ' અને 'સેવા એ જ પરમો ધર્મ'ના સૂત્રને સાર્થક કરતી વડોદરાની વટવૃક્ષ સંસ્થા દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણથી કોઈ બાળક વંચિત ન રહે અને અભ્યાસ માટે જરૂરી સાધનો મળી રહે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં 200થી વધુ બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સમાજમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ સામાન્ય અને જરૂરિયાતમંદ પરિવારોના બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. ઘણી વખત આર્થિક સંજોગો વચ્ચે પણ બાળકો શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ જાળવી રાખતા હોય છે, ત્યારે આવી મદદ તેમના આત્મવિશ્વાસ અને ભવિષ્યના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વક્તાઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આજના આ બાળકોમાંથી જ ભવિષ્યમાં કોઈ IAS, IPS અધિકારી, વૈજ્ઞાનિક, ખેલાડી અથવા સમાજના અગ્રણી નાગરિક તરીકે દેશ અને શહેરનું નામ રોશન કરશે. વડોદરા ‘સંસ્કારી નગરી’ તરીકે ઓળખાય છે અને આ ઓળખ જાળવી રાખવામાં વટવૃક્ષ જેવી સામાજિક સંસ્થાઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
કાર્યક્રમમાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, દંડક વિજય ચવ્હાણ, વોર્ડ નંબર-13ના નગરસેવક શૈલેન્દ્રસિંહ ઠાકોર, નિધી પટેલ, પ્રજાપતિ સમાજના અગ્રણી રાજેશ પ્રજાપતિ તેમજ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવભાઈ પવળે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ રાકેશ પ્રજાપતિ અને સુમિત પવારે જણાવ્યું હતું કે વટવૃક્ષ સંસ્થા સતત સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગના લોકો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી રહી છે. શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને બાળકોને શિક્ષણ માટે જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવાનો સંસ્થાનો સતત પ્રયાસ રહેશે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાના સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવા સમાજલક્ષી કાર્યક્રમો વધુ વ્યાપક રીતે યોજાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
Reporter: admin







