સુરત : દુબઈ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઈમના ગુના આચરતા આરોપીને સુરત સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા આ બાબતમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં અજય ઈટાલીયા, જલ્પેશ નડિયાદરા અને વિશાલ ઠુમરનો સમાવેશ થાય છે અને મિલન વાઘેલા નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે.ગુનામાં સંડોવાયેલા આરોપી અજય ઈટાલીયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમર, કેતન વેકરીયા, મિલન વાઘેલા, દશરથ અને જગદીશ સાથે મળીને રાતોરાત ખૂબ સારા રૂપિયા કમાવવા માટે છેલ્લા એક વર્ષથી અલગ અલગ બેન્ક એકાઉન્ટના ધારકોને લોભ લાલચ આપીને આ લોકો પાસેથી તેમના બેંક એકાઉન્ટ મેળવી લેતા હતા. તો કેટલાક લોકોને નવા બેંકમાં એકાઉન્ટ ખોલાવી દઈ તેમની પાસેથી પૈસા મેળવીને બેંકમાંથી આવતી ચેકબુક, પાસબુક તેમજ એટીએમ સહિતની કીટ અને એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલા મોબાઈલ નંબરનું સીમકાર્ડ આરોપી લોકો પાસેથી મેળવી લેતા હતા.આ ઉપરાંત ખોટા યુઝરનેમ અને પાસવર્ડ બનાવીને ખોટી કિંમતી જામીનગીરી ઊભી કરી ખોટા ઇલેક્ટ્રોનિક કૂટલેખનવાળા દસ્તાવેજ ઊભા કરી આરોપી દુબઈમાં રહીને ઇન્ટરનેટની મદદથી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. આરોપી અલગ અલગ લોકોને ફોન કરીને ખોટી ઓળખ આપી તેમની સાથે છેતરપિંડી કરતા હતા.
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ 261 અકાઉન્ટોમાં સાયબર ફ્રોડ 77,55,29,020 રૂપિયાના વ્યવહારો કરાવ્યા હતા અને અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં આ પૈસા ટ્રાન્સફર કરાવી દીધા હતા અને એટીએમ કાર્ડની મદદથી આ પૈસાને ઉપાડી લઈ દરેક બેન્ક એકાઉન્ટ પેટે અલગ અલગ રકમના કમિશન આરોપી મેળવી લેતા હતા.સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસને બાતમીને આધારે મોટા વરાછા લજામણી ચોક ખાતે આવેલ ગોપીનાથ સોસાયટીના સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં 107 નંબરની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ઓફિસમાંથી 28 મોબાઈલ, 86 ડેબિટ કાર્ડ, 180 પાસબુક, અલગ અલગ બેંકની 30 ચેકબુક, 258 સીમકાર્ડ, એક કોમ્પ્યુટર, એક લેપટોપ સહિતનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો છે
Reporter: admin