નશાકારક કફ સીરપની 4785 નંગ બોટલ, ટ્રામાડોલ કેપ્સ્યુલ પણ 159120 નંગ મળી કુલ 26.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો...
શહેરના વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસેના રતિલાલ પાર્કના એક મકાનમાં દરોડો પાડીને શહેર પોલીસ એસઓજીએ નશાકારક કફ સીરપ કોડીનનો ગેરકાયદેસર સંગ્રહ કરીને ખરીદ વેચાણ કરતા બે શખ્સને ઝડપી પાડી નશાકારક કફ સીરપની 4785 નંગ બોટલ કબજે કરી હતી તથા ટ્રામાડોલ કેપ્સ્યુલ પણ 159120 નંગ કબજે કપી કુલ 26.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શહેર એસઓજી પોલીસે કલાદર્શન ચાર રસ્તા પાસેના રતિલાલ પાર્કના એક મકાનમાં બાતમીના આધારે દરોડો પાડીને વિપુલ સતિષ રાજપૂત તથા કેયુર રમેશ રાજપૂતને ઝડપી લીધા હતા. મકાનમાંથી નશાકારક કફ સીરપ મળતાં પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તથા એપએસએલને બોલાવી તપાસ કરાવતા મકાનમાંથી કોડીન કફ સીરપની 2570 બોટલ મળી આવી હતી. પોલીસે કફસીરપ સહિતનો 789150 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંનેની અટકાયત કરી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. પોલીસે બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરી વિવિધ મુદ્દાની તપાસ માટે 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જેમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બંને શખ્સે સાત આઠ દિવસ પહેલા ભાડેથી રાખેલા ગોડાઉનમાં કફ સીરપની બોટલો તથા બીજી દવાનો જથ્થો સંતાડી રાખ્યો હતો જેથી પોલીસે શ્રીપોર ટીંબી ગામમાં પાલ્મ એક્ઝોટીકા નામની બિલ્ડીંગની દુકાનમાં દરોડો પાડી કોડીન કફ સીરપની બોટલો તથા ટ્રામાડોલ કેપ્ય્સ્લનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે આ કોડીન અને દવાનો જથ્થો કોની પાસેથી કેવી રીતે મેળવ્યો છે અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરુ કરી હતી.
ગાડીની ડેકીમાં કફસીરપ સંતાડી નશેડીઓને વેચતાં
બંને આરોપી પૈકી વિપુલ રાજપૂત વાઘોડીયા રોડ ગાયત્રી મંદિર પાસે ઓકલેન્ડ ટાવરમાં ઓકલેન્ડ ફાર્મસી નામનો મેડીકલ સ્ટોર ચલાવે છે જ્યારે કેયુર રાજપૂત ખટંબામાં અર્બન રેસીડેન્સીની દુકાનમાં મેડીકલ સ્ટોર ચલાવે છે. બંને વિપુલના ઘેર કોડીનનો જથ્થો રાખતા હતા અને માર્કેટમાં પકડાઇ ના જવાય તે માટે કફ સીરપની બોટલોની ઉપરના સ્ટીકર ઉખાડી દેતા હતા અને બર્ગમેન ગાડીની ડેકીમાં કફસીરપની બોટલો મુકીને નશેડી ગ્રાહકોને ડિલીવરી કરતા હતા. શહેર એસઓજી પોલીસે છેલ્લા 90 દિવસમાં એનડીપીએસ એક્ટ હેઠળ 10 ગુના નોંધ્યા છે અને 6817639 રુપિયાનો માદક પદાર્થ જપ્ત કરી 20 આરોપીને પકડ્યા છે.
Reporter: admin