સુશાસન સપ્તાહ અન્વયે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલના અધ્યક્ષસ્થાને વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

નિવાસી અધિક કલેકટર પટેલે જણાવ્યુ હતું કે, સુશાસન સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ સારા શાસન દ્વારા લોકોની ફરિયાદોનો હકારાત્મક નિકાલ લાવવો તેમજ સરકાર અને વહીવટી તંત્રની કામગીરીથી લોકોને સંતોષ મળે તે છે. પ્રજાના કોઈપણ પ્રશ્નોના ઉકેલ માટે હકારાત્મક અભિગમ અપનાવવાથી જ અરજદારને સંતોષ મળે છે તેમજ લોકોના દરેક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવો એ આપણી ફરજ છે. આજના યુગમાં સરકાર અને વહીવટી તંત્ર તરફ લોકોની આશાઓ વધી છે.નાગરિકોનો વિકાસ થાય તો જ રાજ્ય અને દેશનો વિકાસ થાય છે.આપણાં નાના સંકલ્પો થકી દેશ માટે સમર્પણની ભાવના પ્રત્યેક નાગરિકમાં હોવી જોઈએ.

વર્કશોપમાં વડોદરા જિલ્લાની સામાજિક આર્થિક ક્ષેત્રે સમૃદ્ધિ અને વિકસિત વડોદરાના ધ્યેયને હાંસલ કરવા માટેની તકો અને પડકારોની ચર્ચા કરવાની સાથે સરકારી નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ વધારવા, સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક ક્ષેત્રના લોકોને મળે તેવી કામગીરી કરવા, લોકોના પ્રશ્નોનું ઝડપથી હકારાત્મક નિકાલ લાવવા અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.વિકસીત ગુજરાત ૨૦૪૭ના વિઝનને અનુલક્ષીને વડોદરાના મહેસુલ, કૃષિ, બાગાયત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આરોગ્ય, શિક્ષણ સહિતના વિભાગોના વિશિષ્ટ કામગીરી તેમજ આયોજન અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ ઉપરાંત ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસિસ (Good Governance Practices) અને ઇનિશિએટિવ વિશે ઝીણવટભરી ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,સમગ્ર રાજ્યમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલ બિહારી બાજપાઈના જન્મદિનની ઉજવણી અંતર્ગત સુશાસન સપ્તાહની તા.૧૯ ડિસેમ્બર, ૨૦૨૪થી તા.૨૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે.



Reporter: admin