વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેર વિસ્તારમાં આવેલા તળાવોની સ્વચ્છતા અને સુંદરતા જળવાય તે માટે વિવિધ તળાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ શહેરના રામનાથ તળાવનું આશરે 3.56 કરોડના ખર્ચે નવીનીકરણનું કામ હાથ પર લેવાયું છે.
વડોદરા કોર્પોરેશનના વર્ષ 2025-26 ની બજેટ બુકમાં પણ જણાવાયું છે કે મકરપુરા (જીજી માતા), વેમાલી, વાંસ, કપૂરાઈ, ભાયલી અને રામનાથ તળાવની કામગીરી પ્રગતિમાં છે. વડોદરામા નવનાથ મહાદેવના મંદિર છે. જેમાંથી 6 મહાદેવ મંદિર એવા છે જે સ્મશાન સાથે જોડાયા છે. સ્મશાન સાથે અહીં તળાવ પણ આવેલા છે. શહેરના વાડી વિસ્તારમાં રામનાથ સ્મશાન પાછળ ગાયકવાડ સરકારે નીમ કરેલી તળાવની જગ્યા છે.
તળાવ 200થી વધુ વર્ષ જૂનું છે, પરંતુ સમય જતા તે પુરાવા લાગ્યું હતું. આ અગાઉ તળાવની જગ્યામાં ઊગી નીકળેલી જંગલી વનસ્પતિ, ઝાડી-ઝાંખરા જેસીબીથી ઉખેડી સાફ કરવામાં આવ્યા હતા. હાલ તળાવને ઊંડું કરવાની સાથે કિનારા પર આરસીસીની બાઉન્ડ્રી પણ બાંધવાનું કામ ચાલુ કરાયું છે.
Reporter: admin