વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના સંતો સામે દુષ્કર્મની ફરિયાદ બાદ મંદિર માં સન્નાટો છવાયો છે.
તત્કાલીન કોઠારી જગત પાવન સ્વામી ઉર્ફે જે.પી. સ્વામી ઉપરાંત એ.પી. સ્વામી અને કે.પી.સ્વામી સામે આઠ વર્ષ બાદ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ મંદિરમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. આજે બપોરે મોટી સંખ્યામાં હરિ ભક્તો મંદિરમાં ઉમટયા હતા પરંતુ ટ્રસ્ટીઓ અને વર્તમાન કોઠારી સ્વામી કોઇનો સંપર્ક થઇ શક્યો નહતો.વાડી સ્વામિનારાયણ મંદિરમાં દુષ્કર્મની ઘટના આઠ વર્ષ પહેલા બની હતી ત્યારે કોઠારી સ્વામી તરીકે આરોપી જે.પી. સ્વામી એટલે કે જગત પાવન સ્વામી ફરજ બજાવતા હતા. હાલમાં કોઠારી તરીકે ઘનશ્યામ સ્વામી છે. આ મામલે તેઓનો ફોન દ્વારા, રૂબરૂ અને મેસેજ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓનો સંપર્ક થઇ શક્યો નહતો. મંદિરમાંથી એવુ કહેવામાં આવ્યુ કે ઘનશ્યામ સ્વામી હાજર નથી, ફોન પર કોલ કરતા કોલ નોરિપ્લાય થયો જ્યારે વોટ્સએપ મેસેજ પર તેઓએ કોઇ જવાબ આપ્યો નથી.
બીજી તરફ મંદિર ખાતે ઉપસ્થિત હરિભક્તો સાથે વાત કરતા તેઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેમનું કહેવું હતું કે હાલમાં જે લોકો ગાદી ઉપર છે તેઓ ભગવાન સ્વામિનારાયણના વંશજો નથી. સત્સંગની વૃધ્ધી કરવાના બદલે આ સંતો વહીવટમાં પડી ગયા છે. તેઓનું એમ પણ કહેવું હતું કે કેટલાક સંતોએ તો હરિભક્તોના પૈસે પોતાના ખાનગી સંસ્થાઓ ઉભી કરી દીધી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું વડતાલ મુખ્ય કેન્દ્ર ગણાય છે. ભગવાન સ્વામિનારાયણે અહીથી જ સંપ્રદાયનો વિકાસ અને વિસ્તાર કર્યો હતો. જે બાદ તેમના વંશજો આ ગાદી સંભાળી રહ્યા હતા પરંતુ પાછલા કેટલાક વર્ષોથી સ્વામિનારાયણ ભગવાનના મૂળ વંશજોને સાઇડ ટ્રેક કરીને અન્ય સાધુઓએ વડતાલનો વહિવટ પોતાને હસ્તગત કરી લીધો છે.
Reporter: News Plus