News Portal...

Breaking News :

કોન્ટ્રાક્ટર માલામાલ, આંગણવાડી બેહાલ: 8 મહિનામાં જ ખુલ્લી પડી વિકાસ કાર્યોની પોલ

2026-06-15 15:19:24
કોન્ટ્રાક્ટર માલામાલ, આંગણવાડી બેહાલ: 8 મહિનામાં જ ખુલ્લી પડી વિકાસ કાર્યોની પોલ


કોન્ટ્રાક્ટર માલામાલ, આંગણવાડી બેહાલ: 8 મહિનામાં જ ખુલ્લી પડી વિકાસ કાર્યોની પોલ

સુરત: સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન હેઠળ આવેલી નવી વસાહતની આંગણવાડીમાં માત્ર આઠ મહિના પહેલાં કરવામાં આવેલા રિપેરિંગ કામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ફ્લોરિંગ બેસી જવું, દિવાલોમાં મોટી તિરાડો પડવી અને ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થઈ જવા જેવી ખામીઓ સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.માહિતી અનુસાર, આશરે આઠ મહિના પહેલાં સરકારી ખર્ચે આંગણવાડીમાં રિપેરિંગ અને સુધારણા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, ટૂંકા જ સમયમાં કોટા પથ્થરનું ફ્લોરિંગ અનેક જગ્યાએ બેસી ગયું છે, જ્યારે કેટલીક જગ્યાએ ઊંચું થઈ જતાં સમગ્ર ફ્લોર ઉબડખાબડ બની ગયો છે. જેના કારણે બાળકો માટે ચાલવું, બેસવું અને રમવું જોખમી બની ગયું છે.ફ્લોરિંગ ઉપરાંત આંગણવાડીની બહારની દિવાલોમાં પણ મોટી તિરાડો જોવા મળી રહી છે. 

સ્થાનિકોના જણાવ્યા મુજબ દિવાલોની હાલત માળખાકીય સલામતી અંગે ચિંતાજનક સંકેત આપી રહી છે. જો સમયસર મરામત નહીં કરવામાં આવે તો કોઈ દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર બાબત એ છે કે આંગણવાડીમાં રાખવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનોની મુદત પણ પૂર્ણ થઈ ચૂકી છે. આગ જેવી કોઈ આપત્તિ સર્જાય તો આવા સાધનો ઉપયોગી સાબિત નહીં થાય, જેના કારણે બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.શહેરભરમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવવા કડક વલણ અપનાવતી પાલિકાની પોતાની જ સંસ્થામાં સલામતીના નિયમોનું પાલન ન થતું હોવાની ચર્ચા શરૂ થઈ છે. સમગ્ર ઘટનાએ પાલિકાના સુપરવિઝન, ગુણવત્તા નિયંત્રણ અને જાહેર નાણાંના ઉપયોગ અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.આ મુદ્દે માજી કોર્પોરેટર ઉષા પટેલે ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ કરાવવા, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ આંગણવાડીમાં જરૂરી મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવાની માંગ કરી છે.સ્થાનિકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે, કામ ખરેખર થયું હતું કે માત્ર બિલો પાસ કરવામાં આવ્યા હતા? સાથે જ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.

Reporter: admin

Related Post