News Portal...

Breaking News :

પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

2026-06-19 13:52:00
પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને રાવપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મદિવસની ઉજવણીને અનોખી અને સમાજોપયોગી બનાવવાના હેતુથી વિવિધ સંસ્થાઓમાં સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

જન્મજયંતિ નિમિત્તે કારેલીબાગ વિસ્તારમાં આવેલી મૂક-ધ્વનિ ટ્રસ્ટ સંસ્થામાં રહેતા દિવ્યાંગ બાળકો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે 200થી વધુ વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ તેમને પગારખાં અને અભ્યાસ માટે જરૂરી ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ ઉપરાંત શિશુ ગૃહ ખાતે નવજાત બાળકો માટે જરૂરી સાધન-સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. માનસિક સ્વાસ્થ્ય આરોગ્ય કેન્દ્ર ખાતે 400થી વધુ દર્દીઓને આઈસ્ક્રીમનું વિતરણ કરી તેમની સાથે જન્મદિવસની ખુશી વહેંચવામાં આવી હતી.

કાર્યક્રમમાં રાજેન્દ્ર ત્રિવેદીના ધર્મપત્ની, જીતુભાઈ સુખડિયા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સ્થાનિક કોર્પોરેટરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ જન્મજયંતિની ઉજવણીને યાદગાર બનાવી હતી.


આ પ્રસંગે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે જન્મદિવસની ઉજવણી માત્ર શુભેચ્છાઓ સ્વીકારવાનો પ્રસંગ નથી, પરંતુ સમાજના જરૂરિયાતમંદ વર્ગોની સેવા કરવાનો અવસર પણ છે. સમાજને કંઈક પરત આપવાની ભાવનાથી આવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સાચા અર્થમાં જન્મદિવસની ઉજવણીનું મહત્વ સાર્થક બને છે.

Reporter: admin

Related Post