News Portal...

Breaking News :

દેશના 315 જિલ્લાઓ પર વરસાદની અછતનું સંકટ, ખરીફ પાક અને મોંઘવારી પર અસરની આશંકા

2026-06-25 14:55:16
દેશના 315 જિલ્લાઓ પર વરસાદની અછતનું સંકટ, ખરીફ પાક અને મોંઘવારી પર અસરની આશંકા

દેશમાં નબળા ચોમાસા અને અલ-નીનોના પ્રભાવને કારણે આ વર્ષે વરસાદની અછતનું મોટું સંકટ ઊભું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર દેશના કુલ 315 જિલ્લાઓમાં વરસાદની ઘટ રહેવાનો ખતરો ઉભો થયો છે, જેના કારણે કેન્દ્ર સરકાર પણ હવે એલર્ટ મોડમાં આવી ગઈ છે. ઓછી વરસાદી સ્થિતિનો સીધો પ્રભાવ ખરીફ પાક, વાવેતર અને ખાદ્ય મોંઘવારી પર પડી શકે છે, જેના કારણે કૃષિ અને સામાન્ય જનજીવન બંને પર અસર થવાની શક્યતા છે.

મળતી માહિતી મુજબ, ચોમાસાની શરૂઆતના સમયગાળામાં દેશભરમાં અત્યાર સુધી સામાન્ય કરતાં આશરે 43 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ મંત્રાલય અને કેન્દ્ર સરકાર દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. સરકારના અંદાજ મુજબ 315 જિલ્લાઓમાંથી આશરે 111થી 112 જિલ્લાઓ એવા છે, જ્યાં સૌથી વધુ જોખમ છે અને જ્યાં પાકને નુકસાન પહોંચવાની શક્યતા વધુ માનવામાં આવી રહી છે.

આ પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને પૂર્વ તૈયારી રાખવા સૂચના આપી છે. ખાસ કરીને ઓછી વરસાદી પરિસ્થિતિમાં ટકી શકે તેવી વૈકલ્પિક ઓછી પાણી વાપરતી ખેતી, જરૂરી બીજની ઉપલબ્ધતા, સિંચાઈ વ્યવસ્થાનું મજબૂતીકરણ અને જિલ્લા સ્તરે બેકઅપ પ્લાન તૈયાર કરવા સૂચવાયું છે. સરકારનું માનવું છે કે સમયસરની તૈયારીથી ખરીફ સીઝન પર પડનારી અસરને ઘણાં અંશે ઓછી કરી શકાય છે.
કૃષિ મંત્રાલયે પણ રાજ્ય સરકારો સાથે સતત સમીક્ષા બેઠક શરૂ કરી છે, જેથી ચોમાસાની સ્થિતિ પર નજીકથી નજર રાખી શકાય અને જરૂરી પગલાં ઝડપથી લેવાઈ શકે. જો આગામી અઠવાડિયામાં વરસાદની સ્થિતિમાં સુધારો નહીં થાય તો કૃષિ ઉત્પાદન સાથે સાથે શાકભાજી અને અનાજના ભાવમાં વધારો થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

Reporter: admin

Related Post