દેશભરમાં ટમેટાંના ભાવમાં અચાનક તેજી આવતાં સામાન્ય લોકોના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. અનેક શહેરોમાં ટમેટાંના રિટેલ ભાવ ₹60થી ₹70 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જ્યારે દિલ્હીના ગ્રેટર કૈલાશ જેવા વિસ્તારોમાં ટમેટાં ₹92 પ્રતિ કિલોના દરે વેચાઈ રહ્યા છે. વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે હવે કેન્દ્ર સરકાર બજારમાં સીધો હસ્તક્ષેપ કરવાની તૈયારીમાં છે.
ઉપભોક્તા બાબતો વિભાગે ગયા અઠવાડિયે ટમેટાંના વધતા ભાવ મુદ્દે સમીક્ષા બેઠક યોજી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સહકારી ઉપભોક્તા સંઘ (NCCF) અને અન્ય સહકારી નેટવર્ક મારફતે ટમેટાં ₹35થી ₹45 પ્રતિ કિલોના સબસિડાઈઝ્ડ દરે વેચવાની યોજના તૈયાર થઈ રહી છે.
મળતી માહિતી મુજબ, આ યોજના હેઠળ સસ્તા દરે ટમેટાંના વેચાણની શરૂઆત સૌપ્રથમ દિલ્હી-NCR અને મુંબઈમાં કરવામાં આવી શકે છે. બાદમાં પરિસ્થિતિ અનુસાર અન્ય મોટા શહેરોમાં પણ આ વેચાણ વ્યવસ્થા વિસ્તૃત કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પગલાથી ખુલ્લા બજારમાં વધતી કિંમતો પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે અને સામાન્ય ગ્રાહકોને થોડી રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન દેશમાં ટમેટાંનો સરેરાશ રિટેલ ભાવ ₹34.43 પ્રતિ કિલો હતો, જે હવે વધીને ₹60થી ₹70 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. મોંઘવારીની માર વચ્ચે રસોડાના અગત્યના શાકભાજી એવા ટમેટાંના વધતા ભાવને કારણે ગ્રાહકોમાં ચિંતા વધી છે.
Reporter: admin







