News Portal...

Breaking News :

વડોદરા ગોત્રીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો

2026-06-25 14:13:24
વડોદરા ગોત્રીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉત્સાહભેર યોજાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 1354 જેટલા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.


કાર્યક્રમ દરમિયાન નોંધપાત્ર બાબત એ રહી કે અનેક વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જે સરકારી શિક્ષણ પ્રત્યે વધતા વિશ્વાસનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં શિક્ષકોને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવા ટકોર કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને યોગ્ય માર્ગદર્શન આપવા પર પણ ભાર મૂક્યો હતો.
તેમણે વાલીઓને અપીલ કરતાં કહ્યું કે બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ આપવું એટલું જ જરૂરી છે જેટલું શિક્ષણ. બાળકોના શિક્ષણની સાથે તેમની પોષણ અને આરોગ્ય પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
કાર્યક્રમમાં વધુમાં જણાવાયું કે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ કુલ 126 શાળાઓ કાર્યરત છે. આગામી સમયમાં 2030 સુધી તમામ શાળાઓને મોડેલ સ્ટુડિયો શાળા તરીકે વિકસાવવાનો આયોજન છે.

આ વર્ષે શહેરમાં બે નવી કન્સેપ્ટ શાળાઓ શરૂ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે સુધારા અને બાળકોને દરેક ક્ષેત્રમાં આગળ વધારવા માટે સંયુક્ત પ્રયાસ કરવાની અપીલ કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post