દોહા: કતરના રસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા બરઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં રવિવારની રાત્રે જોરદાર વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 54 કામદારો ઘાયલ થયા છે, જ્યારે 18થી વધુ લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, ઈરાનની બોમ્બમારી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નાકાબંધીને કારણે પ્લાન્ટનું સંચાલન અગાઉથી અસરગ્રસ્ત હતું. નાકાબંધીમાં આંશિક રાહત મળ્યા બાદ કર્મચારીઓ ટર્મિનલમાં ફરી કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક વિસ્ફોટ થતાં આગ લાગી હતી. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.
કતાર વિશ્વના અગ્રણી પ્રાકૃતિક ગેસ ઉત્પાદકોમાં સામેલ છે અને રસ લાફાન વિસ્તાર દેશના ગેસ નિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવા સમયે આ મોટા અકસ્માતને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં પણ ચિંતા વધી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરોધ ઉભો થતાં કતાર ગેસની સપ્લાયમાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો અને ઉત્પાદન પર પણ તેની સીધી અસર પડી હતી.
સરકારી કંપની કતાર એનર્જીના જણાવ્યા મુજબ, નિકાસ ટર્મિનલને ફરી કાર્યરત બનાવવાની પ્રક્રિયા દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. આગ કાબૂમાં લેવા માટે ફાયર અને ઈમરજન્સી ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
હાલ સુધીમાં વિસ્ફોટથી થયેલા કુલ નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન થઈ શક્યું નથી. શરૂઆતમાં અધિકારીઓએ માત્ર થોડા લોકો ઘાયલ થયાનું જણાવ્યું હતું, પરંતુ બાદમાં કતરના ગૃહ મંત્રાલયે ઘાયલો અને લાપતા લોકોની સંખ્યા વધુ હોવાનું સ્વીકાર્યું હતું. ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
Reporter: admin







