વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે નાણાં ધિરાણ અંગેની પ્રવૃતિઓ ચાલતી હોય, આવી પ્રવૃતિના કારણે જાહેર જનતાને ઉંચા વ્યાજદરે વ્યાજ ચુકવવુ પડતુ હોય અને આવા વ્યાજના વિષચક્રમાં ફસાઈ જવાના કારણોસર ભોગબનનાર આત્મહત્યા કરી લે તેવા કિસ્સાઓ બનતા હોય છે.
આવી ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવાના હેતુસર ગુજરાત રાજ્યના ડી.જી.પી. દ્વારા તા.૨૧/૦૬/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધી ખાસ ડ્રાઇવનુ આયોજન કરવા સુચના આપવામાં આવી છે.જેના આધારે ગેરકાયદેસર નાણાં ધિરાણનો ધંધો કરતા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરવાના ભાગરૂપે શહેરમાં ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ દરમ્યાન ભોગબનનાર પોતાની રજુઆત કરી શકે અને સરકારની જુદી-જુદી નાણાંકીય યોજનાઓની માહીતી જાહેર જનતા સુધી પહોંચાડી શકાય તે માટે વડોદરા શહેરમાં ઝોન વાઇઝ જનસંપર્ક સભાઓનું આયોજન કરવામાં આવેલ છે.
આ ઝુંબેશના ભાગ રૂપે સૌપ્રથમ ઝોન-૧ વિસ્તારના સયાજીગંજ, ફતેગંજ, છાણી, નંદેસરી, ગોરવા, જવાહર નગર અને લક્ષ્મીપુરા પોલીસ મથક હદ વિસ્તારના નાગરીકો વ્યાજખોરો વિરૂધ્ધ પોતાની રજુઆત કરી શકે તે માટે તા.૨૭/૦૬/૨૦૨૪ના રોજ સાંજે 5 કલાકે સરદાર પટેલ સભા ગૃહ, નેશનલ એકેડમી ઓફ ઇન્ડીયન રેલ્વે, લાલબાગ ખાતે જનસંપર્ક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.
Reporter: News Plus