વડોદરા : સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામમાં વડોદરાની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની યેશા મકવાણાએ ધો.12 આર્ટસમાં 96.23 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
યેશાએ લેપટોપ પર પરીક્ષા આપી હતી. તેણે એક વાતચીતમાં કહ્યું હતું કે, લેપટોપ પર પરીક્ષા આપવાની હોવાથી મારે ટાઈપિંગની પ્રેક્ટિસ કરવી પડી હતી. મેં રોજ અમુક કલાકો સુધી વાંચવું તેવો ટાર્ગેટ નહોતો રાખ્યો. સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવાનું હું ટાળતી હતી. લેકચરો સાંભળવા માટે યુ ટયુબનો ઉપયોગ કર્યો હતો.તેણે કહ્યું હતું કે, બોર્ડ પરીક્ષા છે તેવું માનીને ગભરાઈ જવાની જરૂર નથી અને મારા જેવા બીજા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે, શક્ય હોય તો લેપટોપ પર પરીક્ષા આપો. તેનાથી રાઈટરની મદદની જરૂર નહીં પડે.
મારી સફળતાનો શ્રેય હું મારા શિક્ષકો અને મારા માતા પિતાને આપું છું.યેશાના પિતાએ કહ્યું હતું કે, યેશા અમારા પરિવાર માટે વરદાન સમાન છે. તેની સફળતાને બિરદાવવા માટે મારી પાસે શબ્દો નથી. અમને તેને ભણાવવામાં તકલીફો પડી છે પરંતુ સામે શિક્ષકો અને બીજા લોકોનો સહકાર પણ એટલો જ મળ્યો છે. યેશાની ઈચ્છા હવે યુપીએસસી પરીક્ષા પાસ કરવાની છે અને તેના માટે અમે તેને તમામ પ્રકારનો સપોર્ટ કરીશું.
Reporter: admin