પ્રતાપનગર રેલવે સ્ટેશનથી અપડાઉન કરનારાની વેદના

પ્રતાપનગર નવા રેલવે સ્ટેશન સંકૂલમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી રોજ અવરજવર કરનારા, અપડાઉન કરનારા પેસેન્જરો રેલવે સ્ટેશનના કોઈને નડતરરૂપ ના થાય તે રીતે પાર્ક કરે છે. રોજ ટ્રાફિક પોલીસની ક્રેન રેલવેના સંકુલમાં આવીને સ્કૂટરને ભૂતડીઝાંપા લઈ જાય છે.ટ્રાફિક વિભાગનાં ભૂતડીઝાંપાથી કોઈ જાતની પાવતી આપવામાં આવતી નથી. પરંતુ 300 રૂપિયામાં કોઈ વચેટીયાને ઉભો રાખી તોડપાણી કરીને રસીદ આપ્યા વગર સ્કૂટર આપી દેવામાં આવે છે. મજબૂરી સાથે રોજ અપડાઉન કરનારા પેસેન્જરો રોજ સવારના સાત વાગે પાર્કિંગ કરે છે. ટ્રાફિક પોલીસવાળા સવારનાં 9 વાગે 10:30 વાગે 12:00 વાગે ચક્કર મારી ટુવ્હીલર વાહનોને ભુતડીઝાંપા મૂકી આવે છે. રેલવેનાં સંકુલમાં ટ્રાફિક પોલીસ આવી શકે નહીં. રેલવે કર્મચારી અને ટ્રાફિકના કર્મચારીઓ વચ્ચે સાંઠગાંઠ હોય તો જ આ રીતે પાવતી બનાવ્યા વગર ₹300 માં સ્કૂટર પરત કરાય છે.આ રોજનો મોટો ધંધો થઈ ગયો છે. એટલું જ નહીં રેલવે સ્ટેશનની એકદમ નજીક કેટલાક મકાન માલિકો કોર્પોરેશનની જમીનમાં ખાનગી અપ- ડાઉન કરવા વાળાને વાહનો પાર્ક કરવા દે છે. તેમની પાસેથી રોજના 10 20-30 રૂપિયાનાં ભાડાથી મુકવા દે છે. એમનો ધંધો તૂટી ના જાય તે માટે રેલવે અને ટ્રાફિક પોલીસ પેસેન્જરોને હેરાન કરે છે.
ખરેખર તો પાલિકાએ આ ખાનગી પાર્કિંગ કરનારાઓ પાસેથી મોટી રકમની દંડનીય કાર્યવાહી કરવી જોઈએ.પાલિકાની જમીન ઉપર ખાનગી ઓપરેટર પાર્કિંગનો ધંધો કઈ રીતે કરી શકે? બીજી બાજુ રેલવે પોતાના સંકુલમાં વિશાળ જગ્યા હોવા છતાં આજરોજ સુધી પાર્કિંગ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો નથી જેથી પેસેન્જરને કાયમી તકલીફ પડી રહી છે .તાત્કાલિક અસરથી ટેન્ડર બહાર પાડી રેલવે સ્ટેશનના સંકુલમાં પેસેન્જર કાયદેસરના પાર્કિંગ સ્ટેન્ડમાં પોતાનો વાહનો પાર્ક કરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.આધુનિક રેલ્વે સ્ટેશનમાં પાર્કિંગ ની વ્યવસ્થા જ ના હોય તેવું પ્લાનિંગ મંત્રાલય કરે જ નહી. લાંચ-રુશ્વત ખાતુ આ જગ્યાએ ડીકોય કેસ કરી શકે. પેસેન્જરની જેમ સ્કૂટર મૂકીને એમને ટ્રેપ કરી શકે.ટ્રાફિક શાખાના કયા કર્મચારીઓ આ રેકેટમાં સંડોવાયેલા છે તે તપાસમાં ખુલી શકે છે.પ્રતાપનગર સ્ટેશનથી રોજ ડભોઇ, બોડેલી, છોટાઉદેપુર, એકતા નગર જનારી 10 ટ્રેનો છે. રોજ એક ટ્રેનમાંથી આશરે 2000 માણસો પ્રતાપનગરથી ચડે છે,એટલા જ ઉતરે પણ છે. જનરલ ક્લાસની ટ્રેન હોઈ રૂપિયા 10 અને 20 ના રેલવેના ભાડામાં એકતાનગર અને ડભોઈ-બોડેલી સુધી પહોંચી જાય છે.ટ્રાયબલ પટ્ટામાં નોકરી ધંધો કરનારા પેસેન્જરો પોતાનાં ઘરેથી પોતાનું સ્કૂટર-મોપેડ-મોટર સાઇકલ લઈ આવતા હોય છે.દરેક પેસેન્જરને રેપીડો, ઉબર કે રીક્ષામાં રોજ આવવાનું પોસાય નહીં.જેથી તેમની માટે પાર્કિંગ અનિવાર્ય છે. પ્રતાપ નગર રેલવે સ્ટેશન ઉપરથી ટ્રેનોની આવરજવર તો થાય છે.પરંતુ નવા સ્ટેશનનું ઉદ્ઘાટન અગમ્ય કારણોસર થયું નથી.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને લોકલ બસની સુવિધા પણ હજી સુધી પ્રતાપનગર રેલવે સ્ટેશનને આપી નથી. વડોદરા સાંસદ,ધારાસભ્ય,કોર્પોરેટરોએ આ વિષયને હાથ ઉપર લેવો રહ્યો.
Reporter: admin







