News Portal...

Breaking News :

મૃદુ મુખ્યમંત્રીએ વડોદરા કોર્પોરેશનની દયાજનક આર્થિક સ્થિતી જોઈને વ્યાજ માફ કર્યું

2026-06-14 10:02:06
મૃદુ મુખ્યમંત્રીએ વડોદરા કોર્પોરેશનની દયાજનક આર્થિક સ્થિતી જોઈને વ્યાજ માફ કર્યું


મૃદુ મુખ્યમંત્રીએ વડોદરા કોર્પોરેશનની દયાજનક આર્થિક સ્થિતી જોઈને વ્યાજ માફ કર્યું 

વડોદરા મહાનગરપાલિકા માટે આજનો દિવસ સૌથી મોટા અને ઐતિહાસિક રાહતના સમાચાર લઈને આવ્યો છે. છેલ્લા 19 વર્ષથી કોર્પોરેશન અને પાનમ યોજના વર્તુળ તથા રાજ્ય સરકાર વચ્ચે ગૂંચવાયેલા રહેલા પાનમ પાણી બિલ વિવાદનો છેવટે કાયમી અને સુખદ અંત આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે વડોદરા મનપા પ્રત્યે અત્યંત સંવેદનશીલ અભિગમ દાખવીને કુલ 5233.22 કરોડના તોતિંગ લેણાંમાંથી 4193 કરોડની અધધ વ્યાજ અને પેનલ્ટીની રકમ સંપૂર્ણપણે માફ કરવાનો લોકાભિમુખ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનાં આ ઐતિહાસિક નિર્ણયને પગલે વડોદરા મનપાને હવે માત્ર 1039 કરોડની મૂળ મુદ્દલ રકમ જ ચૂકવવી પડશે, જેને પણ કોર્પોરેશનની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરળ હપ્તાઓમાં ભરવાની મહત્વપૂર્ણ મંજૂરી આપવામાં આવી છે.આ લાંબા સમયથી ચાલતા વિવાદ અંગે વિગતવાર માહિતી આપતા વડોદરાના ધારાસભ્ય અને મુખ્ય દંડક બાળુ શુક્લાએ મીડિયાને જણાવ્યું હતું કે, વડોદરાના નાગરિકો માટે આ બહુ મોટો અને રાહત આપનારો નિર્ણય છે. બચત થયેલી આ જંગી રકમ હવે વડોદરા શહેરના પાયાના અને ભવિષ્યના વિકાસલક્ષી કામો જેવા કે રસ્તા, ડ્રેનેજ, બ્રિજ અને પીવાના પાણીની લાઈનો પાછળ વાપરવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય બદલ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રી તેમજ નર્મદા અને જળસંપત્તિ મંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે તેમણે ખાતરી આપી હતી કે બાકી રહેતી 1039 કરોડની મુદ્દલ રકમ કોર્પોરેશન એક વર્ષના નિર્ધારિત સમયગાળામાં નિયમબદ્ધ રીતે સરકારને જમા કરાવી દેશે.

પાનમ યોજના જ્યારે વર્ષ 1974માં શરૂ કરવામાં આવી ત્યારે વડોદરા મહાનગરપાલિકા તેમાં મુખ્ય ભાગીદાર તરીકે જોડાઈ હતી. તેના સત્તાવાર દસ્તાવેજો અને કરારો તૈયાર થયા ત્યારે કોર્પોરેશનને મળનારા પાણી અને તેની સામે સ્થાયી દર તથા વપરાશી દર મુજબ નિભાવણી ખર્ચ આપવાનું નક્કી કરાયું હતું. વર્ષ 1996-97 દરમિયાન અચાનક આ બિલ મોકલવાનું બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2008માં પશ્ચાતવર્તી અસરથી એકસાથે 350 કરોડનું તોતિંગ બિલ મોકલાતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી વ્યાજ અને પેનલ્ટીના ચક્રવૃદ્ધિ દરને કારણે બિલ સતત વધતું રહ્યું અને રજૂઆતો છતાં ઉકેલ આવતો નહોતો.વર્ષો જૂની આ કાયદાકીય ગૂંચ અને કેટલાક ટેકનિકલ સંવેદનશીલ મુદ્દાઓને કારણે વડોદરા મનપાનું બજેટ ખોરવાઈ જવાની ભીતિ સેવાતી હતી. આ જટિલ સમસ્યાના કાયમી ઉકેલ માટે વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી, મેયર, મ્યુનિસિપલ કમિશનર અને શહેરના તમામ ધારાસભ્યોએ એક થઈને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રૂબરૂ ન્યાયિક રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ મામલાની ગંભીરતા અને વડોદરાના કરોડો નાગરિકોના હિતને ધ્યાને રાખીને માનવતાસભર નિર્ણય કર્યો હતો. સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર મૂળ મુદ્દલ જ ભરવાની રહેશે અને વ્યાજ તથા પેનલ્ટીનો ભાર હટાવી લેવાશે, જેને પગલે કોર્પોરેશનની તિજોરી પરથી અબજો રૂપિયાનું આર્થિક ભારણ હળવું થઈ ગયું છે. વડોદરાના જનપ્રતિનિધિઓની સંયુક્ત રજૂઆતના કારણે જ આ 19 વર્ષ જૂનો ગૂંચવાયેલો પ્રશ્ન ઉકેલાયો છે.

Reporter: admin

Related Post