News Portal...

Breaking News :

ગુનેગારોના પુનર્વસન માટે વડોદરા પોલીસની અનોખી પહેલ, ઝોન-2માં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

2026-06-12 10:42:43
ગુનેગારોના પુનર્વસન માટે વડોદરા પોલીસની અનોખી પહેલ, ઝોન-2માં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો


ગુનેગારોના પુનર્વસન માટે વડોદરા પોલીસની અનોખી પહેલ, ઝોન-2માં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

વડોદરા શહેર પોલીસના ઝોન-2 દ્વારા ગુનાખોરીમાં સંડોવાયેલા વ્યક્તિઓના પુનર્વસન અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાણ માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન-2ના ડીસીપી મંજીતા વણઝારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જેપી રોડ, નવાપુરા, ગોત્રી, અકોટા, અટલાદરા અને રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના હિસ્ટ્રીશીટરો તથા ગુનાખોરીના કેસોમાં સંડોવાયેલા લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઝોન-2ના એસીપી, વિવિધ પોલીસ સ્ટેશનોના પીઆઈ અને અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોને ગુનાખોરીથી દૂર રહેવા, કાયદાનું પાલન કરવા તેમજ સમાજમાં સન્માનપૂર્ણ જીવન જીવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ડીસીપી મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે પોલીસનો હેતુ માત્ર ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નથી, પરંતુ તેમને સુધારીને સમાજમાં પુનઃસ્થાપિત કરવાનો પણ છે. આ માટે ગુનાખોરીમાં સંડોવાયેલા અને જેલવાસ ભોગવી ચૂકેલા વ્યક્તિઓ માટે પોલીસ મેન્ટરની વ્યવસ્થા કરવામાં આવશે. 

મેન્ટર સમયાંતરે તેમની સાથે સંપર્કમાં રહી તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખશે અને તેઓ ફરી ગુનાખોરી તરફ ન વળે તે માટે માર્ગદર્શન આપશે.કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા લોકોએ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગુનાખોરી ન કરવાની અને મહેનતથી નોકરી-ધંધા દ્વારા જીવન નિર્વાહ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ પોતાના અનુભવો પણ શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પોલીસના માર્ગદર્શન અને પરિવારના સહયોગથી તેઓ ગુનાખોરીનો માર્ગ છોડીને આજે નોકરી, વ્યવસાય અને અન્ય કાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાઈ સામાન્ય જીવન જીવી રહ્યા છે.વડોદરા પોલીસની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગુનાખોરીનું પુનરાવર્તન અટકાવવાનો, શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો તેમજ ગુનેગારોને સુધારીને જવાબદાર નાગરિક તરીકે સમાજમાં સ્થાન અપાવવાનો છે. પોલીસની આ માનવતાવાદી અને સુધારાત્મક કામગીરીને ઉપસ્થિત લોકોએ આવકારી હતી.

Reporter: admin

Related Post