News Portal...

Breaking News :

અકસ્માતમાં ઘાયલની સારવાર માટે હોસ્પિટલ મનાઇ કરે તો પગલાં લેવાશે

2026-06-13 10:55:49
અકસ્માતમાં ઘાયલની સારવાર માટે હોસ્પિટલ મનાઇ કરે તો પગલાં લેવાશે


અકસ્માતમાં ઘાયલની સારવાર માટે હોસ્પિટલ મનાઇ કરે તો પગલાં લેવાશે 


ઘાયલોને પીએમજેવાય હોસ્પિટલમાં મફત સારવારની પીએમ રાહત યોજનાનો સુચારૂ અમલ કરવાની શ્રી નરસિમ્હા કોમાર અને ડો. અનિલ ધામેલિયાની પ્રતિબદ્ધતા માર્ગ અકસ્માતમાં ઘાયલોને પીએમ રાહત યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર આપવામાં મનાઇ કરતી માન્ય હોસ્પિસ્ટલો સામે પગલા ભરવાની સ્પષ્ટ તત્પરતા પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ દર્શાવી છે. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં માર્ગ અકસ્માતમાં ઘાયલોને કોઇ પણ ચાર્જ લીધા વિના સારવાર આપવાની યોજનાનો સુચારૂ રીતે અમલ કરવા આ બન્ને અધિકારીઓ દ્વારા સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી. આજે કલેક્ટર કચેરીમાં એમ્પેનલ્ડ હોસ્પિટલોના તબીબો અને સંચાલકો સાથે યોજાયેલી બેઠકમાં પીએમ રાહત યોજનાના અમલીકરણની કાર્યપદ્ધતિની સરળ સમજ સરકારી તબીબો દ્વારા આપવામાં આવી હતી. પીએમ રાહત યોજનાનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. અકસ્માત બાદની શરૂઆતની ક્ષણો અત્યંત મહત્વપૂર્ણ હોય છે, તેથી આ યોજના હેઠળ પીડિતોને તાત્કાલિક સારવાર મળી રહે અને સારવારના ખર્ચને કારણે કોઈ વિલંબ ન થાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે.આ યોજના હેઠળ માર્ગ અકસ્માતના પીડિતોને નિર્ધારિત હોસ્પિટલો ખાતે કેશલેસ સારવારની સુવિધા આપવામાં આવે છે. અકસ્માત પછીના પ્રથમ સાત દિવસ દરમિયાન નક્કી કરાયેલી મર્યાદા સુધીના સારવાર ખર્ચનું વહન સરકાર દ્વારા કરવામાં આવે છે. આથી પીડિત અને તેમના પરિવારજનો પર તાત્કાલિક આર્થિક બોજો ઓછો થાય છે.યોજનાના અમલીકરણમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ અને હોસ્પિટલોના સંકલિત પ્રયાસોને મહત્વ આપવામાં આવ્યું છે. 

અકસ્માતની જાણ થતાં જ પીડિતને ઝડપથી નજીકની હોસ્પિટલમાં પહોંચાડવા અને જરૂરી સારવાર શરૂ કરવા માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, પીએમ રાહત યોજના હેઠળ જે હોસ્પિટલોના આઇડી જનરેટ નહી થયા તે બનાવવાની તત્કાલીક કાર્યવાહી કરવામાં આવશે. કોઇ પણ રીતે, પોલીસ સાથે કે પોલીસ વિના અકસ્માતમાં ઘાયલ દર્દી હોસ્પિટલમાં આવે ત્યારે તેને બચાવવા માટે તત્કાલ સારવાર શરૂ કરવાની રહેશે. આ માટે તેની પાસે વીમા પોલીસી છે કે નહી તે જોવાનું નથી. અકસ્માત બાદ તત્કાલ નજીકની હોસ્પિટલમાં આવેલા ઘાયલોને સારવારને પ્રાધાન્ય આપવાનું રહે છે. તેને ટાળવાના નથી. સારવારનો ખર્ચ પીએમ રાહત યોજના હેઠળ વહન કરવાનો રહે છે. આ બાબતને ધ્યાને ઘાયલના સગા પાસે અન્ય કોઇ ફી લેવામાં આવે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલ, ડો. સ્મિતા સહિત તબીબો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Reporter: admin

Related Post