દેશને વર્ષ 2047 સુધી વિકસિત ભારત બનાવવા માટે યુવાનોને નશામુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટે દેશવ્યાપી **‘નશા મુક્ત યુવા સંકલ્પ અભિયાન’**નો પ્રારંભ કરશે. રમતગમત અને યુવા બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ, આ માત્ર સરકારી કાર્યક્રમ નહીં પરંતુ યુવાનો દ્વારા અને યુવાનો માટેનું એક રાષ્ટ્રવ્યાપી જનઆંદોલન બનશે.
અભિયાનના પ્રથમ દિવસે દેશભરના 10 હજારથી વધુ કેન્દ્રો વર્ચ્યુઅલી એકસાથે જોડાશે અને પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં 1 કરોડથી વધુ યુવાનો નશાથી દૂર રહેવાનો સંકલ્પ લેશે. સંકલ્પ બાદ તમામ યુવાનો ‘નશા મુક્ત સ્વયંસેવક’ તરીકે સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરશે.
આ અભિયાનને ગામડાંથી લઈને શહેરો સુધી પહોંચાડવામાં ‘માય ભારત’, એનએસએસ (NSS), શાળાઓ, કોલેજો, યુથ ક્લબ, વિવિધ એનજીઓ તેમજ 125થી વધુ આધ્યાત્મિક સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવશે.
સરકારે આ અભિયાનને માત્ર એક દિવસ પૂરતું મર્યાદિત રાખવાને બદલે તેને 100 અઠવાડિયા સુધી સતત ચલાવવાનો નિર્ણય કર્યો છે. દર રવિવારે દેશભરમાં રમતગમત, વોકાથોન, નુક્કડ નાટક, ચિત્ર સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધ્યાન સત્રો જેવી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જેથી યુવાનોની ઊર્જાને સકારાત્મક દિશામાં વાળી શકાય.
અભિયાન દરમિયાન ઉત્તમ કામગીરી કરનારા સ્વયંસેવકો અને સંસ્થાઓને 50મા, 75મા અને 100મા અઠવાડિયે વિશેષ સન્માન પણ આપવામાં આવશે. સરકારનું માનવું છે કે આ અભિયાન સમાજને નશામુક્ત બનાવવાની દિશામાં એક લાંબા ગાળાનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
Reporter: admin







