News Portal...

Breaking News :

6 જુલાઈથી ત્રણ દેશોની મુલાકાતે જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઇન્ડો-પેસિફિક ભાગીદારીને મળશે નવી મજબૂતી

2026-07-04 09:49:11
6 જુલાઈથી ત્રણ દેશોની મુલાકાતે જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઇન્ડો-પેસિફિક ભાગીદારીને મળશે નવી મજબૂતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જુલાઈથી 11 જુલાઈ, 2026 દરમિયાન ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના ત્રણ મહત્વપૂર્ણ દેશો – ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સત્તાવાર મુલાકાતે જશે. છ દિવસીય આ વિદેશ પ્રવાસનો મુખ્ય હેતુ ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો, વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાનો, સંરક્ષણ સહયોગને વિસ્તૃત કરવાનો તેમજ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતની ભૂમિકાને વધુ સશક્ત બનાવવાનો છે.

પ્રવાસના પ્રથમ તબક્કામાં વડાપ્રધાન મોદી ઇન્ડોનેશિયાની મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠક દરમિયાન દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ સહયોગ, આર્થિક સંબંધો અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે.
ત્યારબાદ વડાપ્રધાન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે, જ્યાં તેઓ વડાપ્રધાન એન્થોની અલ્બનીઝ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર, શિક્ષણ, ટેક્નોલોજી અને રોકાણ ક્ષેત્રે સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થશે. ઉપરાંત ભારતીય ઉદ્યોગજગત અને ઓસ્ટ્રેલિયન વ્યાપારી સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ તેમની બેઠક યોજાશે. પ્રવાસ દરમિયાન તેઓ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ની પણ મુલાકાત લેશે.

પ્રવાસના અંતિમ તબક્કામાં વડાપ્રધાન મોદી ન્યૂઝીલેન્ડ પહોંચશે, જ્યાં તેઓ વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. લગભગ ચાર દાયકાઓ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સત્તાવાર ન્યૂઝીલેન્ડ મુલાકાત હશે. બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, કૃષિ, શિક્ષણ અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોને નવી દિશા આપવા પર ખાસ ભાર મૂકવામાં આવશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ પ્રવાસ ભારતની 'એક્ટ ઈસ્ટ પોલિસી' અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતા વ્યૂહાત્મક સહયોગને વધુ ગતિ આપવાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મુલાકાતથી ભારત અને આ ત્રણેય દેશો વચ્ચે આર્થિક, વ્યૂહાત્મક અને કૂટનીતિક સંબંધો વધુ મજબૂત બનશે.

Reporter: admin

Related Post