પીબીસીની મોટી કાર્યવાહી: કિયા સેલ્ટોસમાંથી 368 બોટલ વિદેશી દારૂ જપ્ત, 17 કેસવાળો આરોપી ઝડપાયો
વડોદરા શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરફેર અટકાવવા માટે પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ સફેદ રંગની કિયા સેલ્ટોસ કારમાં વિદેશી દારૂ ભરીને શહેરમાં પસાર થવાનો છે.આ માહિતીના આધારે પોલીસ ટીમે અકોટા વિસ્તારમાં અટલ બ્રિજ નીચે આંબેડકર સર્કલ પાસે નજર રાખી હતી. થોડા સમય બાદ જણાવ્યા મુજબની કાર ત્યાં આવતા પોલીસે તેને રોકી તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવી હતી. ત્યારબાદ કાર ચાલકને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યો હતો.પકડાયેલા આરોપીની ઓળખ શાહરૂખ જફરભાઈ શેખ (ઉંમર 32 વર્ષ), રહે. રાવપુરા રોડ, વડોદરા તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.
વર્ષ 2015થી લઈને 2026 સુધી તેના વિરુદ્ધ પ્રોહિબિશન અને અન્ય ગુનાઓના કુલ 17 જેટલા કેસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સાથે આરોપી સામે ત્રણ વખત પાસા અનુસાર પણ કાર્યવાહી થઈ ચૂકી છે.પોલીસે આરોપી પાસેથી કુલ 368 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો, જેની કિંમત લગભગ રૂ. 4.67 લાખ હોવાનું જણાવાયું છે. તેની સાથે એક મોબાઈલ ફોન અને દારૂ લાવવા માટે વપરાયેલી કિયા સેલ્ટોસ કાર પણ જપ્ત કરવામાં આવી હતી. કુલ મળીને લગભગ રૂ. 15.07 લાખનો મળેલો માલ કબજે કરવામાં આવ્યો છે.આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને દારૂ ક્યાંથી આવ્યો હતો તથા અન્ય કોઈ લોકો સામેલ છે કે નહીં તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહી પીસીબી ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
Reporter: admin







