મધ્ય પૂર્વમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ કરારને લઈને મહત્વપૂર્ણ હલચલ જોવા મળી રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાની નેતાઓએ દાવો કર્યો છે કે રવિવારે બંને દેશો વચ્ચે શાંતિ કરારના ફ્રેમવર્ક પર હસ્તાક્ષર થઈ શકે છે. જોકે આ દાવા વચ્ચે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હજુ અંતિમ સમજૂતી થઈ નથી અને કરાર આગામી દિવસોમાં થઈ શકે છે.પ્રસ્તાવિત કરાર મુજબ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' સાથે જોડાયેલો છે. જો સમજૂતી થાય તો ઈરાન આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગને તમામ આંતરરાષ્ટ્રીય જહાજો માટે ફરીથી સંપૂર્ણપણે ખુલ્લો મૂકી શકે છે. તેના બદલામાં અમેરિકા નૌકાદળ દ્વારા લાદવામાં આવેલી નાકાબંધી હટાવી શકે છે અને ઈરાનની અબજો ડોલરની ફ્રોઝન સંપત્તિને મુક્ત કરવાની સાથે ઓઈલ નિકાસ પરના પ્રતિબંધોમાં રાહત આપી શકે છે.પરંતુ શાંતિની આશા વચ્ચે ઈરાનની અંદર જ વિરોધના સ્વર ઉઠવા લાગ્યા છે. તેહરાન સહિતના અનેક શહેરોમાં કટ્ટરપંથી જૂથોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન શરૂ કર્યા છે. પ્રદર્શનકારીઓનું માનવું છે કે સરકાર અમેરિકા સામે વધુ પડતી નરમાઈ દાખવી રહી છે.
કેટલાક સ્થળોએ “તડજોડ કરનારાઓ રાજીનામું આપો” જેવા સૂત્રોચ્ચારો પણ થયા હોવાનું સામે આવ્યું છે.રાજકીય નિષ્ણાતો માને છે કે આ આંતરિક વિરોધ ઈરાન સરકાર માટે મોટો પડકાર બની શકે છે. ખાસ કરીને ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ અને કટ્ટરપંથી વર્ગનો પ્રભાવ હજુ પણ મજબૂત હોવાથી કોઈપણ શાંતિ પ્રક્રિયા સરળ રહેશે નહીં.આ સંભવિત કરાર બાદનો સૌથી મોટો અને મુશ્કેલ મુદ્દો ઈરાનનો પરમાણુ કાર્યક્રમ રહેશે. અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે હાલનો કરાર માત્ર પ્રથમ તબક્કો છે. ત્યારબાદ આગામી 60 દિવસ દરમિયાન ઈરાનના પરમાણુ કાર્યક્રમ, યુરેનિયમ સંવર્ધન અને પરમાણુ હથિયાર ક્ષમતા અંગે વિશેષ વાટાઘાટો હાથ ધરાશે.ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ ટ્રમ્પના દાવાને નકારતા જણાવ્યું છે કે રવિવારે જ કરાર પર હસ્તાક્ષર થશે તેવું માનવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે ચર્ચા આગળ વધી રહી છે, પરંતુ હજુ કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર સહમતિ બાકી છે.આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ અમેરિકાની શાંતિ પ્રક્રિયા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. જેના કારણે સમગ્ર મામલો વધુ જટિલ બન્યો છે.હાલ વિશ્વની નજર અમેરિકા અને ઈરાન વચ્ચેની આગામી ચર્ચાઓ પર કેન્દ્રિત છે. જો સમજૂતી સફળ થશે તો મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ આંતરિક વિરોધ અને પરમાણુ મુદ્દા જેવા પડકારોને જોતા હજુ અંતિમ પરિણામ સુધી પહોંચવાનો રસ્તો સરળ નથી.
Reporter: admin







