News Portal...

Breaking News :

જામીન પર છૂટ્યા બાદ પણ દારૂના ગેરકાયદે ધંધામાં સક્રિય આરોપીને પોલીસે અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલ્યો

2026-06-26 10:21:40
જામીન પર છૂટ્યા બાદ પણ દારૂના ગેરકાયદે ધંધામાં સક્રિય આરોપીને પોલીસે અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલ્યો

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં શરીર સંબંધિત, મિલ્કત સંબંધિત, સાયબર ગુનાઓ, નાણાકીય ગુનાઓ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી, પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે સતત નજર રાખી જરૂરી અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે.

તે અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા એક ઇસમ સામે પાસા ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ કપુરાઈ પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં આરોપી બાબરમલ ઉર્ફે બાબુલાલ રામલાલ ગાડરી (રહે. ઉદયપુર, રાજસ્થાન) તથા તેના સાગરીતો દ્વારા આર્થિક લાભ મેળવવાના હેતુથી રાજ્ય બહારથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લક્ઝરી બસ મારફતે ગુજરાતમાં લાવવામાં આવતો હતો.
પોલીસે કાર્યવાહી દરમિયાન ૧૮૦ એમ.એલ.ની દારૂની બોટલો, બિયર ટીન, મોબાઇલ ફોન તથા લક્ઝરી બસ સહિત કુલ રૂ. ૨૬.૮૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી જામીન પર મુક્ત થયા બાદ પણ પ્રતિબંધિત દારૂનો સંગ્રહ, હેરફેર અને વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યો હતો. મુસાફરોની આડમાં રાજ્ય બહારથી મોટા પ્રમાણમાં દારૂ લાવી તેના સાગરીતો મારફતે વેચાણ અને પુરવઠો કરવામાં આવતો હોવાનું પણ બહાર આવ્યું હતું.
પોલીસના મતે આવી પ્રવૃત્તિઓ જાહેર આરોગ્ય અને જાહેર વ્યવસ્થા માટે જોખમરૂપ બની શકે છે. આરોપીની સતત અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિને ધ્યાને લઈ વડોદરા શહેર પોલીસે પાસા વોરંટની અમલવારી કરી આરોપીને અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.

Reporter: admin

Related Post