દુઃખ, સંવેદના અને વૈરાગ્યનાં પરમ ધામ એવા શહેરનાં ખાસવાડી સ્મશાનગૃહને પણ વડોદરાના રાજકારણીઓએ પોતાને ક્રેડિટ લેવાનું સાધન બનાવી દીધું હોય તેવો ઘાટ સર્જાયો છે. વડોદરાનાં સૌથી જૂના અને મુખ્ય એવા ખાસવાડી સ્મશાનગૃહના નવનીકરણ અને મહારાષ્ટ્રીયન સમાજના વિવાદને લઈને હાલ લોકપ્રતિનિધિઓ તેમજ પદાધિકારીઓ વચ્ચે ‘હું-પદ’ અને જશ લેવાની ભારે સ્પર્ધા શરૂ થઈ છે. સ્મશાન જેવા સંવેદનશીલ મુદ્દે ચાલતી આ રાજકીય ખેંચતાણ હવે નગરજનોમાં પણ ભારે ચર્ચાનો વિષય બની છે.

આ વિવાદની વિગત એવી છે કે વડોદરા મહાનગરપાલિકાના મેયરની અધ્યક્ષતામાં ખાસવાડી સ્મશાનગૃહ ખાતે નાગરિકો માટે સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના તમામ પાંચેય મુખ્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ વહીવટી બેઠકમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સમક્ષ પ્રોજેક્ટની વિગતો તેમણે આપી હતી.
જો કે, આ પહેલાં જ વર્તમાન સાંસદ હેમાંગ જોષી મહિના પહેલાં મહારાષ્ટ્રીયન સમાજના નેતાઓને રૂબરૂ મળ્યા હતા. સમાજની વર્ષો જૂની ધાર્મિક ભાવનાઓ અને પરંપરાગત અંતિમવિધિ માટેની માંગોને સમજીને તેમણે તંત્ર સ્તરે રજૂઆતો કરીને કામગીરીનાં ચક્રો ગતિમાન પણ કરાવી દીધા હતા. આમ, એક તરફ વર્તમાન સાંસદ ગ્રાઉન્ડ લેવલ પર સમાજની માંગો સંતોષવા પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ પૂર્વ સાંસદ અચાનક મેયર અને અધિકારીઓ સાથે બેઠક યોજીને આખા પ્રોજેક્ટની સમીક્ષા કરવા પહોંચી ગયા.
આ પરિસ્થિતિ જોતા નાગરિકો પૂછી રહ્યા છે કે વડોદરાનાં નેતાઓમાં આખરે ક્રેડિટ લેવાની આટલી બધી હોડ કેમ જામી છે? 15 કરોડનાં મોટા બજેટ સાથે શરૂ થયેલો આ આધુનિકીકરણનો પ્રોજેક્ટ હજુ સુધી કેમ અધૂરો રહ્યો અને કયા સ્તરે વિલંબ થઈ રહ્યો છે, તેની અધિકારીઓની હાજરીમાં નકશો સામે રાખીને સમીક્ષા કરવામાં આવી હતી.
હાલની સ્થિતિએ પાવરગ્રીડનું આશરે 20 ટકા જેટલું જ કામ બાકી રહ્યું છે. બાકી રહેલી કામગીરી પણ યુદ્ધના ધોરણે પૂરી થાય તે માટે મેયરે સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપી છે. હાલમાં જૂના સ્મશાનગૃહની જગ્યાએ નવું આધુનિક મોક્ષધામ વિકસાવવામાં આવી રહ્યું હોવાથી, અંતિમવિધિ માટે આવતા પરિવારોને મુશ્કેલી ન નડે તે માટે પતરાનાં શેડની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વ્યવસ્થા જોવા માટે સ્થાયી સમિતિના ચેરમેન પોતે સ્મશાનની મુલાકાતે ગયા હતા.
Reporter: admin







