News Portal...

Breaking News :

17 વર્ષથી ફરાર NDPSનો કેદી જમ્મુ-કાશ્મીરમાંથી ઝડપાયો

2026-06-24 09:48:43
17 વર્ષથી ફરાર NDPSનો કેદી જમ્મુ-કાશ્મીરમાંથી ઝડપાયો

વડોદરા: વર્ષ 2009માં પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર NDPS એક્ટના ગુનામાં સજા પામેલો કેદી આખરે 17 વર્ષ બાદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન કારાવાસ અંતર્ગત 4000 કિલોમીટર દૂર જમ્મુ-કાશ્મીરના અનંતનાગ નજીકથી આરોપી મંહમદઅસરફ ગુલામમંહમદ લોનને ઝડપી પાડી વડોદરા જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2003માં આણંદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં મંહમદઅસરફ લોન સહિત અન્ય એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં 19 ફેબ્રુઆરી 2004ના રોજ સેશન્સ કોર્ટએ મંહમદઅસરફ લોનને 10 વર્ષની સજા અને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો હતો, જેના અનુસંધાને તેને વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો.

વર્ષ 2009 દરમિયાન મંહમદઅસરફને 10 દિવસનો પેરોલ મળ્યો હતો, પરંતુ પેરોલ પૂર્ણ થયા બાદ તે જેલમાં પરત હાજર થયો ન હતો. ત્યારથી છેલ્લા 17 વર્ષથી પોલીસ તેની શોધખોળમાં લાગી હતી, છતાં તેનો કોઈ ચોક્કસ પત્તો મળી રહ્યો ન હતો. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન કારાવાસ અંતર્ગત ફરાર કેદીઓને ઝડપી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મંહમદઅસરફને શોધી કાઢવાનો ટાસ્ક ક્રાઇમ બ્રાન્ચની એક ખાસ ટીમને સોંપવામાં આવ્યો હતો. ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી તપાસ આગળ ધપાવી હતી.

તપાસ દરમિયાન માહિતી મળી હતી કે મંહમદઅસરફ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ચીકીમણી વિસુ અને ભદ્રાગુંડ વિસ્તારમાં ક્યારેક-ક્યારેક આવતો હતો અને હાલ હાર્ડવેરની દુકાન ચલાવી રહ્યો હતો. આ બાતમીના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક જમ્મુ-કાશ્મીર માટે રવાના થઈ હતી. આરોપીની 17 વર્ષમાં સિકલ બદલાઈ જતાં તેને ઓળખવો મુશ્કેલ બન્યો હતો, તેમ છતાં ટીમે વેશ પલટીને ખાનગી રાહે તેની હાર્ડવેર દુકાન નજીક વોચ ગોઠવી હતી. અંતે મોકો મળતા જ ટીમે આરોપી મંહમદઅસરફ લોનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લાંબા સમયથી ફરાર રહેલા કેદીને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મળેલી આ સફળતા મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.

Reporter: admin

Related Post