News Portal...

Breaking News :

ફોરેસ્ટ કર્મચારી પર હુમલા કેસમાં ચૈતર વસાવા-પત્નીને 7 વર્ષની સજા

2026-06-24 09:17:40
ફોરેસ્ટ કર્મચારી પર હુમલા કેસમાં ચૈતર વસાવા-પત્નીને 7 વર્ષની સજા

વડોદરા/નર્મદા: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્નીને નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવતા ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. વર્ષ 2023 દરમિયાન વન વિભાગના એક કર્મચારીને ઘરે બોલાવી મારપીટ કરવાના કેસમાં કોર્ટ દ્વારા આ સજા સંભળાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સજા ભોગવવા માટે સુરક્ષાના કારણોસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

કેસની વિગતો મુજબ નવેમ્બર 2023 દરમિયાન ડેડીયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન અને તેની કામગીરીને લઈને વિવાદ ઊભો થયો હતો. આ દરમિયાન વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે અથડામણ સર્જાઈ હતી. ફરિયાદ અનુસાર ચૈતર વસાવા, તેમની પત્ની સહિત અન્ય આરોપીઓએ ફરજ પર રહેલા ફોરેસ્ટ અધિકારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવી તેમની સાથે મારપીટ કરી હતી તેમજ સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. ઘટના બાદ વન વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટએ ચૈતર વસાવા અને તેમની પત્નીને દોષિત ઠરાવી સાત વર્ષની સજા ફટકારી છે. ચૈતર વસાવા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રભાવશાળી આદિવાસી નેતા તરીકે ઓળખાય છે અને નર્મદા સહિતના આદિવાસી વિસ્તારોમાં તેમનો સારો રાજકીય આધાર રહ્યો છે. આવી સ્થિતિમાં કોર્ટનો આ ચુકાદો માત્ર કાનૂની જ નહીં પરંતુ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે આરોપી પક્ષ હાઈકોર્ટમાં અપીલ કરે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

Reporter: admin

Related Post