News Portal...

Breaking News :

શ્રાવણ વિશેષ: ગોત્રી તળાવ કિનારે આવેલું ૪૫૦ વર્ષ જૂનું પારેશ્વર મહાદેવ મંદિર

2026-08-17 16:22:28
શ્રાવણ વિશેષ: ગોત્રી તળાવ કિનારે આવેલું ૪૫૦ વર્ષ જૂનું પારેશ્વર મહાદેવ મંદિર

શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં ભગવાન શિવની આરાધના માટે પવિત્ર અને વિશેષ માનવામાં આવે છે. શ્રાવણ દરમિયાન શિવભક્તો ભગવાન શિવને જળ, દૂધ અને બિલિપત્ર અર્પણ કરી પૂજા કરે છે. ત્યારે વડોદરામાં આવેલા અનેક પ્રાચીન શિવમંદિરોમાં ગોત્રી તળાવના કિનારે આવેલું લગભગ ૪૫૦ વર્ષ જૂનું પારેશ્વર મહાદેવ મંદિર ભક્તો માટે આસ્થાનું મહત્વનું સ્થળ છે.


ગોત્રી તળાવ પાસે આવેલું આ મંદિર શાંતિપૂર્ણ વાતાવરણ અને ધાર્મિક આસ્થા માટે જાણીતું છે. અહીં આવેલું શિવલિંગ તેની ખાસિયતને કારણે ભક્તોનું ધ્યાન આકર્ષે છે. આ શિવલિંગ ત્રિકોણાકાર છે અને તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રણેય દેવોની શક્તિનો વાસ હોવાની સ્થાનિક નાગરીકોની માન્યતા છે.


પારેશ્વર મહાદેવ સાથે જોડાયેલી એક રસપ્રદ માન્યતા એવી પણ છે કે આ શિવલિંગ દર વર્ષે થોડું-થોડું ઉત્તર દિશા તરફ ખસે છે. ભક્તોમાં આ માન્યતા શ્રદ્ધાનું વિશેષ કેન્દ્ર છે. શ્રાવણ મહિનામાં આ મંદિરે ભક્તો ભગવાન શિવના દર્શન કરી જળ, દૂધ અને બિલિપત્ર અર્પણ કરે છે. શિવભક્તો માટે શ્રાવણનો આ પવિત્ર મહિનો પારેશ્વર મહાદેવના દર્શન અને પૂજા માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ શ્રાવણમાં વડોદરામાં ધાર્મિક અને શાંતિપૂર્ણ સ્થળની મુલાકાત લેવા માંગતા નાગરીકોએ એક વખત ગોત્રી તળાવ પાસે આવેલા પારેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઈ ભગવાન શિવના દર્શન કરવા જ જોઇએ.


Reporter: admin

Related Post