કોર્પોરેશન દ્વારા પાનમ યોજનામાં કરોડો રૂપિયાનાં ચૂકવણાને લઈને એક નવો જ ગરમાવો આવી ગયો છે. પાનમ યોજના અંતર્ગત ગુજરાત સરકારને અધધ ₹1039.54 કરોડ ચૂકવવાની દરખાસ્તનો ભારે વિરોધ શરૂ થયો છે. વોર્ડ નંબર 15ના વિપક્ષના કાઉન્સિલર આશિષ જોષીએ સ્થાયી સમિતિના અધ્યક્ષને એક અત્યંત કડક પત્ર લખીને આ દરખાસ્તને તાત્કાલિક ધોરણે મુલતવી રાખવાની ઉગ્ર માંગ કરી છે. કાઉન્સિલરે ચીમકી ઉચ્ચારી છે કે જો પાલિકા તંત્ર આંખો મીંચીને આ આંધળું ચૂકવણું કરશે, તો વડોદરા મહાનગરપાલિકાની આર્થિક કમર તૂટી જશે અને વડોદરાવાસીઓના હિતો જોખમાશે.
તેમણે લખેલા પત્ર મુજબ સમગ્ર મામલાની વિગત એવી છે કે વર્ષ 1971માં મહીસાગર નદીમાં ફ્રેન્ચવેલ-ઇન્ટેકવેલ બનાવીને પાણી મેળવવાની પાનમ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં વડોદરા મહાનગરપાલિકા એક સત્તાવાર ભાગીદાર તરીકે જોડાઈ હતી. આ ભાગીદારી પેટે પાલિકાએ તે સમયે નક્કી થયેલી કેપિટલ કોસ્ટ ₹5523.44 લાખમાંથી ₹383.88 લાખ સિંચાઈ વિભાગમાં જમા પણ કરાવ્યા હતા. આ ઉપરાંત, વર્ષ 1971-72થી લઈને વર્ષ 2023 સુધીમાં પાલિકાએ ટુકડે-ટુકડે કુલ ₹1628 લાખ જેટલી માતબર રકમ સિંચાઈ વિભાગને ચૂકવી દીધી છે.
પરંતુ વર્ષ 1998માં ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના એકતરફી નિર્ણય લઈને વડોદરા મહાનગરપાલિકાને આ યોજનાની ભાગીદારીમાંથી ધકેલી દેવામાં આવી હતી. કાઉન્સિલર આશિષ જોષીએ આકરા પ્રહારો કરતાં સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સરકારે આવો અન્યાયી અને વડોદરાના હિત વિરુદ્ધનો નિર્ણય લીધો, ત્યારે તે સમયના વહીવટદારો અને શાસકોએ નામદાર હાઈકોર્ટના દ્વાર કેમ ન ખખડાવ્યા? વર્ષ 2007માં જ્યારે સરકારે વ્યાજ સાથે જૂની બાકી રકમની ઉઘરાણી કાઢી, ત્યારે પણ તંત્ર મૌન કેમ રહ્યું? આ વહીવટી નિષ્ક્રિયતાનો ભોગ આજે વડોદરાની જનતાએ કેમ બનવું પડે?
તાજેતરમાં ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં સરકારે વ્યાજદંડ સહિતનું ₹5329.42 કરોડનું બિલ ઘટાડીને ₹1039.54 કરોડ ચૂકવવાનું નક્કી કર્યું છે. ઉપરાંત, 1 એપ્રિલ 2026 પછી દર હજાર લીટર પાણી દીઠ ₹5.05ના દરે દર મહિને બીજા ₹5 કરોડ ચૂકવવાના થશે. આ શરતો મુજબ પાલિકાએ આ ₹1039.54 કરોડ માત્ર 12 મહિનામાં ચૂકવવાના હતા, જેમાંથી 4 મહિના તો વીતી ચૂક્યા છે. એટલે કે હવે બાકીના 8 મહિનામાં જ આ આખી રકમ ચૂકવવાની છે. એટલું જ નહીં, ₹200 કરોડનો હપ્તો તો તાત્કાલિક રોકડ ચૂકવવાનો આદેશ છે.
આશિષ જોષીએ પત્રમાં સ્પષ્ટ ચિંતા વ્યક્ત કરી છે કે વડોદરા મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ એટલી સધ્ધર નથી કે તે આટલો મોટો આર્થિક બોજ એક વર્ષમાં સહન કરી શકે. જો આ નાણાં ચૂકવવામાં આવશે, તો પાલિકાના કર્મચારીઓના પગાર અટકી જશે, ઇજારદારો (કોન્ટ્રાક્ટરો)ને સમયસર નાણાં નહીં મળે અને કાઉન્સિલરોના વિસ્તારના વિકાસકામો તેમજ કેપિટલ બજેટના કામો સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે.
Reporter:







