શહેરનાં લાલબાગ વિસ્તારમાં આવેલી ગતિશક્તિ યુનિવર્સિટી ખાતે ગત 10મી જૂને યોજાયેલા એક સરકારી કાર્યક્રમમાં ભારે હંગામો અને વિવાદ સર્જાયો હોવાની ચર્ચા છે. પ્રોટોકોલ અને માન-સન્માનના મુદ્દે શહેર ભાજપના બે મહામંત્રીઓ લકુલીશ ત્રિવેદી અને રમેશ પટેલ ચાલુ કાર્યક્રમમાંથી ગુસ્સામાં બહાર નીકળી જતાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બંને મહામંત્રીઓની ગેરવર્તણૂક અંગે સીધી રેલવે મંત્રાલયમાં લેખિત ફરિયાદ કરવામાં આવતા મામલો હવે દિલ્હી દરબાર સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ, ગત 10મી જૂને કેન્દ્ર સરકારના શાસન હેઠળ ગતિશક્તિ યુનિવર્સિટી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારી કાર્યક્રમ માટે શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને સંગઠનના હોદ્દેદારોને સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ ધાર્મિક યાત્રાએ હોવાના કારણે તેઓ ઉપસ્થિત રહી શક્યા ન હતા, જેથી સંગઠન વતી બંને મહામંત્રીઓ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલ મુજબ મંચ પર ઉપસ્થિત મેયર, ડેપ્યુટી મેયર અને પાલિકાના અન્ય પદાધિકારીઓનું વિધિવત રીતે ફૂલહારથી સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ સંગઠનના બંને મહામંત્રીઓનું સન્માન કરવામાં ન આવતા તેઓ ભારે અકળાયા હોવાનું કહેવાય છે. પક્ષમાં મળેલી નિમણૂકના જોરે લોકપ્રતિનિધિઓ જેવું જ વીઆઈપી સન્માન મેળવવાની ઘેલછામાં બંને નેતાઓ લાલચોળ થઈ ગયા હતા અને ચાલુ કાર્યક્રમમાં અપમાનિત થયાની લાગણી સાથે ત્યાંથી નીકળી ગયા હતા.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, માત્ર વોકઆઉટ કરવા પૂરતું જ નહીં, પરંતુ આ બંને મહામંત્રીઓએ સત્તાના નશામાં આવીને મેયર અને ડેપ્યુટી મેયરને પણ કાર્યક્રમ છોડીને પોતાની સાથે બહાર નીકળી જવા માટે ભારે દબાણ કર્યું હતું.
આ ક્ષુલ્લક વિવાદના પડઘા હવે છેક દિલ્હી સુધી પડ્યા છે. ગતિશક્તિ યુનિવર્સિટીના શિસ્તબદ્ધ માહોલમાં નેતાઓએ કરેલી આ ગેરવર્તણૂક અને હોબાળાને કારણે યુનિવર્સિટી પ્રશાસન અત્યંત નારાજ થયું હોવાનું કહેવાય છે. યુનિવર્સિટી દ્વારા આ સમગ્ર મામલે રેલવે મંત્રાલયમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.
માત્ર સન્માન ન મળવા જેવી સામાન્ય બાબતે સરકારી કાર્યક્રમની ગરિમા લજવનારા ભાજપના આ પદાધિકારીઓની હરકતથી ખુદ ભાજપના સ્થાનિક અગ્રણીઓમાં પણ ભારે આંતરિક વિખવાદ અને તર્ક-વિતર્કો શરૂ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Reporter: admin







