આતંકીઓના જનાજામાં પાક.ના સૈન્ય અધિકારીઓ કેમ?
દિલ્હી : ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 મેના રોજ ભારત સરકારના વિવિધ વિભાગના સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ દરમિયાન વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, જો પાકિસ્તાન ભારતની ફરી ઉશ્કેરણી કરશે, તો તેને જડબાતોડ જવાબ અપાશે.

આ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કેટલીક તસવીરો જાહેર કરીને પાકિસ્તાનની પોલ ખોલી નાંખી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના નીલમ-ઝેલમ બંધ પરિયોજનાને નિશાન બનાવ્યા હોવાના આરોપ જૂઠા છે, પાયાવિહોણા છે. 7 મેના રોજ ભારતના હુમલામાં પાકિસ્તાનના સામાન્ય નાગરિકો મર્યા હોવાની વાત પણ ખોટી છે. અમારા નિશાન પર ફક્ત સૈન્ય ઠેકાણા જ હતા. એ તમામ સ્થળો આતંકવાદની ફેક્ટરીઓ હતી, જ્યાં આતંકીઓને રાજકીય સન્માન મળે છે. પાકિસ્તાન દાવો કરે છે કે, ભારતના હુમલામાં ફક્ત સામાન્ય નાગરિકો મર્યા હતા, તો આ તસવીર જુઓ. જેમાં લશ્કર એ તૈયબાનો કમાન્ડર અબ્દુલ રઉફ દેખાય છે, જે આતંકીઓના જનાજામાં સામેલ થયો હતો. આ જનાજામાં પાકિસ્તાન સૈન્યના અધિકારીઓ શું કરે છે?
આ વિશે વધુ વાત કરતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારતની એર સ્ટ્રાઈકના મૃતકો સામાન્ય નાગરિકો હતા એ દાવો વિચિત્ર છે કારણ કે, તેમના કોફિન પર પાકિસ્તાનનો ધ્વજ લપેટાયેલો હતો. વળી, ત્યાં સેનાના અધિકારીઓ પણ હાજર હતા. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં શીખ સમાજ પર પણ હુમલો કર્યો. પૂંછમાં એક ગુરુદ્વારા પર હુમલો કરાયો અને શીખોને નિશાન બનાવાયા, જેમાં ત્રણ લોકો માર્યા ગયા. પૂંછમાં પણ 7 મેના રોજ 16 નાગરિકો માર્યા ગયા, અનેક ઘાયલ થયા.
Reporter: admin