સૌરમંડળના પાઘડીધારી શનિ મહારાજ ફરતે વિશાળ ઉપગ્રહ સમૂહ રાસ લે છે
મુંબઇ: સૂર્યમંડળનું વધુ એક આશ્ચર્ય અને રહસ્ય જાણવા મળ્યું છે. આ રહસ્ય છે સૂર્યમંડળના પાઘડીધારી શનિ ગ્રહના નવા અને વધુ ૧૨૮ ઉપગ્રહો (સેટેલાઇટ્સ) મળી આવ્યા છે. હજી ૨૦૨૩ સુધી તો શનિને ૧૪૬ ઉપગ્રહો હતા. એટલે કે હવે શનિનો વિશાળ પરિવાર કુલ ૨૭૪ ઉપગ્રહો સાથે સૌથી મોટો બની ગયો છે. હવે શનિ ગ્રહ કિંગ ઓફ સેટેલાઇટ્સ છે.ઇન્સ્ટિટયુટ ઓફ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ, એકેડેમિયા સિનિકા(તાઇપેઇ, તાઇવાન)ના સિનિયર ખગોળશાસ્ત્રી ડો.એડવર્ડ એશ્ટોનના નેતૃત્વમાં કેનેડા, અમેરિકા,ફ્રાંસના ખગોળશાસ્ત્રીઓએ ૨૦૨૩માં આ સહિયારું સંશોધન કર્યું છે. જોકે શનિના હજી સુધી નહીં શોધાયેલા ઉપગ્રહોની સંખ્યા ૧૨૮ છે એવો સમગ્ર વિશ્વમાં સૌથી પહેલો નિર્દેશ ભારતના વિશ્વપ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી (આઇ.પી.એસ.) ના અધ્યક્ષ ડો.જે.જે.રાવલે ૧૯૮૭માં આપ્યો હતો. ડો.જે.જે. રાવલનું સંશોધનપત્ર અર્થ,મૂન એન્ડ પ્લેનેટ્સ(૪૪,૨૬૫--૨૭૪ : ૧૯૮૭) માં પ્રસિદ્ધ થયું હતું.
કેનેડા, અમેરિકા,ફ્રાંસના ખગોળ શાસ્ત્રીઓની જે ટીમે શનિના ૧૨૮ નવા- વધુ ઉપગ્રહો શોધ્યા છે એ જ ટીમે ૨૦૧૯ માં અને ૨૦૨૧માં શનિના નવા ૬૨ ઉપગ્રહો શોધ્યા હતા. એટલે કે ખગોળશાસ્ત્રીઓની આ જ ટીમ શનિ અને ગુરુ ગ્રહોના ઉપગ્રહો વિશે સતત સંશોધન કરતી રહી છે. છેલ્લાં થોડાં વર્ષોથી સૂર્યમંડળમાં સૌથી વધુ ઉપગ્રહ શનિના છે કે ગુરુના તે વિશે જબરી શોધ સ્પર્ધા ચાલે છે. ૨૦૨૩ સુધી તો સૂર્યમંડળના સૌથી મોટા ગુરુ ગ્રહને કુલ ૯૫ ઉપગ્રહો શોધાયા હોવાથી ગુર મહારાજ કિંગ ઓફ સેટેલાઇટ્સ કહેવાતા.
આ નવી અને વિશિષ્ટ શોધને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન(આઇ.એ.યુ.) દ્વારા સત્તાવાર માન્યતા મળવાની બાકી છે.
ડો.એડવર્ડ એશ્ટોને એવી માહિતી આપી છે કે અમે શનિના નવા અને વધુ ૧૨૮ ઉપગ્રહો શોધવા માટે કેનેડા ફ્રાંસ હવાઇ ટેલિસ્કોપ(સી.એફ.એચ.ટી.--હવાઇ-માનાકી પર્વત)નો ઉપયોગ કર્યો છે. આમ તો શનિના આ નવા ૧૨૮ ઉપગ્રહો કદમાં બહુ નાના છે.એટલે કે થોડાક કિલોમીટરના છે.પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્ર(કોઇપણ ગ્રહના ઉપગ્રહને ચંદ્ર-- મૂન -- કહેવાય) ના કદ કરતાં પણ નાના છે. આપણા ચંદ્રનો વ્યાસ ૩,૪૫૪.૪ કિલોમીટર છે.અમારી સંશોધનની મહત્વની વિગતો એ છે કે શનિના આ તમામ ૧૨૮ નવા સેટેલાઇટ્સ તેમના પિતૃ ગ્રહ શનિથી લગભગ ૯૬ લાખ કિલોમીટર અને ૨૯૯ કિલોમીટરના આંતરિક ક્ષેત્રમાં છે. વળી, આ તમામ ૧૨૮ ઉપગ્રહો પોતાની જ ભ્રમણકક્ષામાં રહીને શનિની પ્રદક્ષિણા કરી રહ્યા છે.એટલે કે આ નવા ૧૨૮ સેટેલાઇટ્સને પોતાની નિશ્ચિત ભ્રમણકક્ષા છે. ખરેખર તો અમે ૨૦૨૩થી જ શનિના નવા સેટેલાઇટ્સ હોવાની ભારોભાર શક્યતા વિશે ૨૦૨૩થી જ સંશોધન કરી રહ્યા હતા. અમારું સંશોધન હજી ચાલુ છે. ડો.જે.જે. રાવલે પોતાના ૧૯૮૭ના સંશોધન વિશે વધુમાં કહ્યું છે કે મેં શનિના ૧૨૮ ઉપગ્રહો હોવા વિશેનો સંકેત અંતરનો નિયમ,કેપ્લરનો નિયમ અને ગુરુત્વાકર્ષણ રેઝોનન્સ થિયરીના આધારે આપ્યો હતો. મેં એક સૈધ્ધાંતિક રીતે રજૂઆત કરી હતી.મારી એ જ થિયરીના આધારે હવે શનિના ૧૨૮ નવા ઉપગ્રહોનું સંશોધન થયું છે.મહત્વની બાબત એ છે કે કોઇપણ આકાશીપીંડ, નાનો કે મોટો, કે રજકણ, તે પોતાની ચોક્કસ ભ્રમણકક્ષામાં રહીને તેના પિતૃ ગ્રહની પ્રદક્ષિણા કરતો હોય તો તે ઉપગ્રહ(ચંદ્ર, મૂન) કહેવાય. ગુરુ ગ્રહને ૯૫, યુરેનસ (પ્રજાપતિને ) ૨૮, નેપ્ચ્યુન (વરૂણને) ૧૬, શનિ ગ્રહને ૨૭૪ ઉપગ્રહો થયા. પૃથ્વીને એક ઉપગ્રહ છે, પણ પૃથ્વીને તેનો જોડિયો ભાઈ જેનો વસવાટ પૃથ્વી ફરતે રહેલા લાગ્રાંજ બિન્દુ પર છે. હાલમાં પૃથ્વીને બીજા બે કૃત્રિમ જોડિયા ભાઈઓ છે, એક આદિત્ય ન્,૧ અને બીજો જેમ્સવેબ ટેલિસ્કોપ, ન્,૨ બિંદુ પર. એમ તો પૃથ્વી ફરતે ઘણા કૃત્રિમ ઉપગ્રહો જેવા કે હબલ સ્પેસ ટેલિસ્કોપ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને બીજા કૃત્રિમ ઉપગ્રહો પરિક્રમા કરે છે.
Reporter: