ગ્રેટર નોઈડા: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના ઇકોટેક-3 ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ILGIM ઈલેક્ટ્રોનિક ચિપ ઉત્પાદન ફેક્ટરીમાં સોમવારે મોડી રાત્રે ભીષણ આગ લાગતા મોટો અકસ્માત સર્જાયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે હાથ ધરાયેલી બચાવ કામગીરી દરમિયાન ફેક્ટરીની દિવાલ અને લોખંડનો ભારે બીમ અચાનક ધરાશાયી થતાં પાંચ ફાયર જવાનો તેની ચપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ફાયરમેન રોહિત યાદવ અને હેડ કોન્સ્ટેબલ (ડ્રાઈવર) તીરથપાલ સિંહના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ ફાયર જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ તેમની હાલત હાલ સ્થિર છે અને તેઓ જોખમની બહાર છે.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ, સ્થાનિક પોલીસ તેમજ રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (SDRF)ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કલાકો સુધી સતત બચાવ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. ઘટનાના પગલે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જિલ્લા પ્રશાસન અને સંબંધિત વિભાગોએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ફેક્ટરીમાં આગ સુરક્ષા વ્યવસ્થા, સલામતીના ધોરણોનું પાલન થયું હતું કે નહીં તેમજ દિવાલ અને લોખંડનો બીમ કેવી રીતે ધરાશાયી થયો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મૃતક ફાયર જવાનોના પરિવારો પ્રત્યે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસને શોક વ્યક્ત કર્યો છે.
Reporter: admin







