ડભોઈમાં 3 જૂન, 2026ના રોજ ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ પર થયેલા હુમલાના કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. આ કેસમાં વધુ બે આરોપીઓને પાસા (Prevention of Anti-Social Activities Act) હેઠળ અટકાયતમાં લઈને જામનગર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધી કુલ 9 આરોપીઓને પાસા હેઠળ અલગ-અલગ જેલોમાં મોકલવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, 3 જૂનના રોજ બપોરના સમયે ફરજ પરના પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી તેમને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઘટનાને પગલે ડભોઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાદમાં ડભોઈના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી. પટેલ દ્વારા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્ત મોકલવામાં આવી હતી. દરખાસ્ત મંજૂર થતાં આરોપીઓ સામે પાસા હેઠળ અટકાયતના વોરંટ જારી કરવામાં આવ્યા હતા.
પ્રારંભિક તબક્કામાં પોલીસની અલગ-અલગ ટીમોએ વારીસ અલી લિયાકત અલી સૈયદ, સિકંદર ફારુક ગરાસિયા, પરવેઝ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયા અને સૈયદ આસીફ અલી મહેબૂબ અલીની ધરપકડ કરીને તેમને પાલારા (ભુજ) જેલ ખાતે મોકલ્યા હતા. ત્યારબાદ બદરુદીન કાલુમિયા સૈયદ અને સરફુદ્દીન ઉર્ફે સોહાનને જામનગર જેલ ખાતે મોકલવામાં આવ્યા હતા.
આજે વધુ બે આરોપી આસિફ સિકંદર ગરાસિયા અને હસનેન સિકંદર ગરાસિયાને પણ પાસા હેઠળ અટકાયતમાં લઈને જામનગર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ કાર્યવાહી સાથે પોલીસ હુમલા કેસમાં કુલ 9 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ઓપરેશનને સફળ બનાવવા ડભોઈના પી.આઈ. એ.ટી. પટેલ તથા તેમની ટીમે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હોવાનું પોલીસ વિભાગે જણાવ્યું છે.
Reporter: admin







