News Portal...

Breaking News :

ડભોઈમાં સતત વરસાદ વચ્ચે વાઘેશ્વરી લોજ બિલ્ડિંગનો ભાગ ધરાશાયી; મોટી જાનહાનિ ટળી

2026-08-03 18:04:33
ડભોઈમાં સતત વરસાદ વચ્ચે વાઘેશ્વરી લોજ બિલ્ડિંગનો ભાગ ધરાશાયી; મોટી જાનહાનિ ટળી

ડભોઈ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદની વચ્ચે સ્ટેશન રોડ પર આવેલી અત્યંત જર્જરિત ત્રણ માળની વાઘેશ્વરી લોજ બિલ્ડિંગનો એક ભાગ વહેલી સવારે અચાનક ધરાશાયી થયો હતો. ઘટનાના સમયે સવારનો સમય હોવાથી અને આસપાસ લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે બિલ્ડિંગનો ભાગ તૂટી પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, સ્ટેશન રોડ પર આવેલી આ બિલ્ડિંગ વર્ષો જૂની હોવાથી લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે બિલ્ડિંગની દિવાલો અને માળખું વધુ નબળું બનતાં તેનો એક ભાગ તૂટી પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારમાં અવરજવર પર નિયંત્રણ રાખવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વાઘેશ્વરી લોજ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર અનેક વેપારી દુકાનો આવેલી છે અને સ્ટેશન રોડ ડભોઈ શહેરનો અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી અહીં દરરોજ હજારો લોકોની અવરજવર રહે છે. જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી. આ ઘટનાએ શહેરમાં જૂની અને જર્જરિત ઇમારતોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, નગરપાલિકા દ્વારા અગાઉ બિલ્ડિંગના માલિકને જર્જરિત ઇમારત અંગે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી બિલ્ડિંગને તોડી પાડવા અથવા સુરક્ષિત બનાવવાની કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે શહેરની તમામ જોખમી અને જર્જરિત ઇમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય અને લોકોના જીવની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

Reporter: admin

Related Post