જેરૂસલેમ: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતી બાદ મધ્ય પૂર્વના રાજકારણમાં નવા સમીકરણો ઉભા થયા છે. આ કરારથી ઈઝરાયલ ખુશ ન હોવાનું સ્પષ્ટ બન્યું છે અને પ્રધાનમંત્રી Benjamin Netanyahuએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે દરેક મુદ્દે તેમની અને અમેરિકાના પ્રમુખ Donald Trumpની વિચારધારા એકસરખી નથી.નેતન્યાહૂએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે મજબૂત સંબંધો હોવા છતાં અનેક મુદ્દાઓ પર બંને દેશોના અભિગમ અલગ હોઈ શકે છે. તેમણે કહ્યું કે લોકો એવું માને છે કે ટ્રમ્પ તેમની દરેક વાત માને છે અથવા તેઓ ટ્રમ્પની દરેક વાત સ્વીકારે છે, પરંતુ હકીકત એવી નથી.મતભેદોનું મુખ્ય કારણ લેબેનોન અને ઈરાન મુદ્દે અપનાવવામાં આવેલી નીતિઓ માનવામાં આવી રહી છે. અમેરિકા ઈરાન સાથે શાંતિ સમજૂતી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ઈઝરાયલ દક્ષિણ લેબેનોનમાં પોતાની સૈન્ય હાજરી યથાવત રાખવા પર અડગ છે. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે હિઝબુલ્લાહના ખતરાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા સુરક્ષા ઝોનમાંથી ઈઝરાયલ હાલ કોઈપણ સંજોગોમાં પીછેહઠ નહીં કરે.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી Israel Katzએ પણ કહ્યું કે લેબેનોન, ગાઝા અને સીરિયાના સુરક્ષા વિસ્તારોમાં ઈઝરાયલી સેનાની હાજરી જરૂરિયાત મુજબ ચાલુ રહેશે. તેમના જણાવ્યા મુજબ દેશની સુરક્ષા અને સરહદોની રક્ષા માટે આ પગલું જરૂરી છે.ઈરાન સાથે થયેલી શાંતિ સમજૂતી અંગે નેતન્યાહૂએ ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું કે ઈઝરાયલ કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર મેળવવા દેશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી તેઓ પ્રધાનમંત્રી છે ત્યાં સુધી ઈરાનના પરમાણુ કાર્યક્રમ સામે કડક વલણ યથાવત રહેશે.આ નિવેદનો બાદ અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના સંબંધોને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે બંને દેશો વ્યૂહાત્મક સાથીદાર હોવા છતાં ઈરાન અને લેબેનોન મુદ્દે અલગ અભિગમ સ્પષ્ટપણે સામે આવ્યો છે.
Reporter: admin







