નશામાં ધૂત રિક્ષાચાલકે મહિલા મુસાફરો સાથે ગાળાગાળી કરી.
વડોદરા શહેરમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક વીડિયોના આધારે સયાજીગંજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી રિક્ષાચાલકની ધરપકડ કરી છે. આરોપી રિક્ષાચાલકે મહિલા મુસાફરો સાથે ભાડાની બાબતે ઝઘડો કરી ગાળાગાળી કરતા સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ બની હતી.વિડીયો વાઇરલ થતા પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે. પંડ્યા અને સેકન્ડ પીઆઈ ડી.કે. ગમારાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રિક્ષાનો નંબર GJ-06-BW-7208ના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી.પોલીસ તપાસમાં રેલવે સ્ટેશનના આઉટ ગેટ નજીકથી રિક્ષા સાથે આરોપી મળી આવ્યો હતો. ચકાસણી દરમિયાન તે નશાની હાલતમાં હોવાનું પણ બહાર આવ્યું હતું. ત્યારબાદ તેને સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપી ચિરાગ દિલીપભાઈ શર્મા (રહે. લક્ષ્મણ ભરવાડની ચાલી, કિશનવાડી, આજવા રોડ, વડોદરા)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં તેણે કાન પકડીને માફી પણ માગી હતી. હાલ વધુ તપાસ ચાલી રહી છે.
વડોદરા શહેરમાં દારૂની ઉપલબ્ધિ હવે “ખુલ્લું રહસ્ય” બની ગયું છે. રિક્ષાચાલક નશામાં ધૂત થઈ મુસાફરોના જીવ સાથે રમે છે અને પોલીસ તાત્કાલિક તેને પકડી લે છે—પણ પ્રશ્ન એ છે કે એ દારૂ આવ્યો ક્યાંથી? શું માત્ર ચાલક જ ગુનેગાર છે કે તેને નશો પહોંચાડનાર હાથો સુધી પણ પહોંચાશે? શહેરમાં ધોળા દિવસે દારૂ મળે અને વાહનચાલકો સ્ટિયરિંગ પાછળ નશામાં બેસે, તો એ કઈ “વ્યવસ્થા”ની મહેરબાની છે? કાર્યવાહી જો માત્ર અંતિમ કડી પર જ થવાની હોય તો મૂળ બુટલેગર સુધી પહોંચવું ક્યારે? કડક કાર્યવાહી ત્યારે જ સંપૂર્ણ ગણાય જ્યારે સપ્લાય ચેઇન તૂટે, નહીં તો આ માત્ર દેખાવટી દમન બની રહે છે.શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનો હાલનો ચહેરો ચિંતાજનક બની ગયો છે. રેલવે સ્ટેશન વિસ્તારથી લઈને અમિત નગર સર્કલ, માણેકપાર્ક, સુસેન અને સોમાતલાવ જેવા વ્યસ્ત જંક્શન પર રિક્ષાચાલકો બેફામ રીતે રોડ પર વાહનો ઉભા રાખી મુસાફરો બેસાડે છે. આ દરમિયાન ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળે છે. અનેક જગ્યાએ માત્ર TRB જવાનો દેખાય છે, જ્યારે નિયમિત ટ્રાફિક પોલીસની ગેરહાજરી પ્રશ્નો ઉભા કરે છે. ગેરકાયદેસર સ્ટેન્ડિંગ અને પેસેન્જર પિકઅપ જેવી પ્રવૃત્તિઓથી ટ્રાફિક જામ અને અકસ્માતનો ખતરો સતત વધે છે.પોલીસ દ્વારા ક્યારેક ગણતરીના દિવસો માટે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ પછી સ્થિતિ ફરી ‘જેની તે’ બની જાય છે. પરિણામે શહેરમાં નિયમો કાગળ પર અને ગેરવ્યવસ્થા રસ્તા પર ચાલતી દેખાય છે. સતત દેખરેખ અને કડક અમલ વગર આ સમસ્યા ઉકેલાય એવી આશા ધૂંધળી બની રહી છે.
Reporter: admin







