News Portal...

Breaking News :

વરસાદ વચ્ચે મુંબઈ લોકલમાં હત્યા: દરવાજો બંધ કરવાના મુદ્દે યુવકને છરીના ઘા

2026-06-24 15:50:03
વરસાદ વચ્ચે મુંબઈ લોકલમાં હત્યા: દરવાજો બંધ કરવાના મુદ્દે યુવકને છરીના ઘા

મુંબઈ: મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે લોકલ ટ્રેનમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. અંધેરીથી બોરીવલી વચ્ચે દોડતી લોકલ ટ્રેનમાં દરવાજો બંધ કરવાના મુદ્દે થયેલા વિવાદ દરમિયાન 22 વર્ષીય યુવકની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ આરોપી ટ્રેન બોરીવલી સ્ટેશન પહોંચે તે પહેલાં જ ફરાર થઈ ગયો હતો.


માહિતી મુજબ, ભારે વરસાદને કારણે ટ્રેનનો દરવાજો બંધ રાખવો કે ખુલ્લો રાખવો તે મુદ્દે બે મુસાફરો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતા જોતા સામાન્ય તકરાર ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ અને આરોપીએ 22 વર્ષીય યુવકના પેટમાં છરીના ઘા ઝીંકી દીધા. ગંભીર રીતે ઘાયલ યુવક કોચમાં જ ઢળી પડતાં અન્ય મુસાફરોમાં ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી.

ટ્રેન રાત્રે આશરે 11:04 વાગ્યે બોરીવલી સ્ટેશન પર પહોંચી હતી, પરંતુ તે સંપૂર્ણ રીતે ઊભી રહે તે પહેલાં જ આરોપી ભાગી છૂટ્યો હતો. ટ્રેન સ્ટેશન પર પહોંચ્યાના થોડા જ મિનિટોમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના જવાનો કોચમાં પહોંચી ગયા હતા અને ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું.

ઘટના બાદ રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીની ઓળખ માટે સ્ટેશન તેમજ ટ્રેનના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં દરવાજો બંધ રાખવાના મુદ્દે થયેલી બોલાચાલી જ હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે.
મુંબઈ લોકલમાં બનેલી આ ઘટના બાદ ફરી એકવાર ભીડભાડભરી ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે. સતત વરસાદ અને ભારે ભીડ વચ્ચે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રેલવે તંત્ર પર દબાણ વધ્યું છે.

Reporter: admin

Related Post