ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં ઉભા થયેલા તણાવ વચ્ચે ચીને હવે બાંગ્લાદેશના તીસ્તા નદી પ્રોજેક્ટમાં પોતાની સક્રિયતા વધારી છે. ભારતના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના સિલિગુડી કોરિડોર, જેને ‘ચિકન નેક’ તરીકે ઓળખવામાં આવે છે, તેની નજીક આવેલા તીસ્તા પ્રોજેક્ટ વિસ્તારમાં ચીનના બાંગ્લાદેશ સ્થિત રાજદૂત યાઓ વેને તાજેતરમાં ટેકનિકલ મુલાકાત લીધી હતી. આ પગલાને કારણે ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ નવી ચિંતા ઊભી થઈ છે.
બાંગ્લાદેશની આંતરિમ સરકારે જણાવ્યું હતું કે આ મુલાકાત તીસ્તા નદીના સંચાલન, નદીકાંઠાના ધોવાણ રોકાણ અને પુનઃવિકાસ યોજના સંબંધિત ટેકનિકલ મૂલ્યાંકનનો ભાગ હતી. આ મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના જળસંપત્તિ સલાહકાર સૈયદા રિઝવાના હસન પણ હાજર રહ્યા હતા. રંગપુર જિલ્લાના શાહબાજપુર વિસ્તારમાં યોજાયેલી આ મુલાકાત બાદ હસને જણાવ્યું હતું કે ચીન તીસ્તા માસ્ટર પ્લાન પર જલદી કામ શરૂ કરવા ઇચ્છે છે. જોકે, પ્રોજેક્ટના અમલીકરણ પહેલાં હાલ તપાસ અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થવી બાકી છે.
તીસ્તા નદી બાંગ્લાદેશના ઉત્તર ભાગ માટે ખેતી, સિંચાઈ અને લાખો લોકોની રોજીરોટી માટે અત્યંત મહત્વ ધરાવે છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ સહિત ભારત માટે પણ આ નદી જળવહેચણી અને પ્રાદેશિક રાજકારણની દ્રષ્ટિએ સંવેદનશીલ મુદ્દો છે. તીસ્તાના પાણીના વહેંચાણ અંગે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્ષોથી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ પશ્ચિમ બંગાળ સરકારના વાંધાઓને કારણે હજી સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ શકી નથી.
ચીન અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરમાં થયેલી ઉચ્ચસ્તરીય ચર્ચાઓમાં પણ તીસ્તા પ્રોજેક્ટ મુખ્ય મુદ્દા તરીકે સામે આવ્યો છે. ચીને બાંગ્લાદેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જળસંચાલન અને વિકાસલક્ષી યોજનાઓમાં સહકાર વધારવાની તૈયારી દર્શાવી છે. વિશ્લેષકોના મતે, આ સક્રિયતા માત્ર વિકાસ પ્રોજેક્ટ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભારતના વ્યૂહાત્મક હિતો સાથે સીધી રીતે જોડાયેલી છે.
સિલિગુડી કોરિડોર ભારતના મુખ્ય ભૂભાગને ઉત્તર-પૂર્વીય રાજ્યો સાથે જોડતી આશરે 22 કિમી પહોળી નાજુક પટ્ટી છે. આવા સંવેદનશીલ વિસ્તારની નજીક ચીનની વધતી હાજરી ભારત માટે ભૂરાજકીય અને સુરક્ષાત્મક રીતે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. આવી પરિસ્થિતિમાં તીસ્તા પ્રોજેક્ટ હવે માત્ર વિકાસ યોજના નહીં, પરંતુ ભારત-બાંગ્લાદેશ-ચીન વચ્ચેના વ્યૂહાત્મક સમીકરણનું કેન્દ્રબિંદુ બની રહ્યો છે.
Reporter: admin







